Fri Jun 12 2026

Logo

ગુજરાતના પોલીસ વડાએ જનસંપર્ક કેન્દ્રની મુલાકાત લીધી, અરજીઓના ઝડપી નિકાલ માટે તાકીદ

2026-06-09 19:45:32
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર: ગુજરાતના પોલીસ વડા જી. એસ. મલિકે ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્ર તેમજ પોલીસ ભવન ખાતે કાર્યરત જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે નાગરિકોની રજૂઆતોની સર્વગ્રાહી સમીક્ષા કરવાની સાથે રૂબરૂ આવેલા અરજદારો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો.

સ્થાનિક સ્તરે જ ન્યાય મળે તેવી વ્યવસ્થા ઉભી કરાશે 

મુલાકાત દરમિયાન  જી. એસ. મલિકે જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતેના આ કેન્દ્રમાં નાગરિકો કેવા પ્રકારના પ્રશ્નો લઈને આવે છે, તેમની મુખ્ય સમસ્યાઓ શું છે અને કયા જિલ્લાઓમાંથી અરજદારોની સંખ્યા વધુ રહે છે.  તેની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી છે. આ સમીક્ષાનો મુખ્ય હેતુ એ છે કે, જે જિલ્લાઓમાંથી વધુ નાગરિકોને ગાંધીનગર સુધી આવવું પડે છે, ત્યાં સ્થાનિક સ્તરે જ ન્યાય મળે તેવી વ્યવસ્થા ઊભી કરવી.

અરજીઓના ઝડપી નિકાલ માટે તાકીદ 

તેમણે ઉમેર્યું હતું કે, સામાન્ય નાગરિકોને પોતાના નાના-મોટા પ્રશ્નોના નિવારણ માટે ગાંધીનગર સુધી લાંબા ન થવું પડે અને સ્થાનિક (જિલ્લા) સ્તરે જ તેમની ફરિયાદોનો સંતોષકારક નિકાલ થાય તે માટે ગૃહ વિભાગ દ્વારા આગામી સમયમાં વધુ સક્ષમ અને અસરકારક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. હાલના તબક્કે ગાંધીનગર ખાતે જે પણ રજૂઆતો આવે છે, તેને તાત્કાલિક સંબંધિત જિલ્લા કે જે-તે યુનિટમાં મોકલી આપીને અરજદારોને ઝડપી, પારદર્શી અને ન્યાયિક નિકાલ મળે તેવી સુદ્રઢ વ્યવસ્થા પોલીસ પ્રશાસન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.

જનસંપર્ક કાર્યાલય એ માત્ર અરજીઓ સ્વીકારવાનું કેન્દ્ર નથી

રાજય પોલીસ વડાએ જણાવ્યું કે, જનસંપર્ક કાર્યાલય એ માત્ર અરજીઓ સ્વીકારવાનું કેન્દ્ર નથી, પરંતુ તે પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસનો મજબૂત સેતુ છે. આ નાગરિક કેન્દ્રિત અભિગમ આગામી દિવસોમાં જિલ્લા સ્તરે પણ એટલો જ મજબૂત કરાશે, જેથી સમગ્ર પોલીસ તંત્ર વધુ લોકભોગ્ય, લોકોપયોગી અને જવાબદાર બને.