ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલ તા. 17 ફેબ્રુઆરીના રોજ સહકાર ક્ષેત્રની રાષ્ટ્રીય કક્ષાની મંથન બેઠક યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "સહકારથી સમૃદ્ધિ" ના સંકલ્પને સાકાર કરવા તેમજ સહકારી સંઘવાદને મજબૂત બનાવવાની દિશામાં આ મંથન બેઠક એક મહત્વપૂર્ણ પગલું પૂરવાર થશે તેમ સહકાર મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
રાષ્ટ્રીય કક્ષાની મંથન બેઠકની પ્રથમ આવૃત્તિ દિલ્હી ખાતે યોજાઈ હતી
સહકાર ક્ષેત્રની મંથન બેઠક અંગે વધુ વિગતો આપતા મંત્રીએ કહ્યું હતું કે, આ પરિષદના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સમગ્ર પરિષદ દરમિયાન કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણ પાલ, કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ, દેશના વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ અને સચિવ કક્ષાના ઉચ્ચ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સહકાર ક્ષેત્રની રાષ્ટ્રીય કક્ષાની મંથન બેઠકની પ્રથમ આવૃત્તિ દિલ્હી ખાતે યોજાઈ હતી અને બીજી આવૃત્તિ ગાંધીનગર ખાતે યોજાઈ રહી છે, જે ગુજરાત માટે ગર્વની ક્ષણ છે.
તેમણે જણાવ્યું કે, મંથન બેઠકમાં મુખ્યત્વે દેશભરમાં 2 લાખ નવી MPACS ડેરી અને મત્સ્ય મંડળીઓની સ્થાપનાની સમીક્ષા, વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના અંતર્ગત આધુનિક ગોદામોનું નિર્માણ, સહકારી ખાંડ મિલોની આર્થિક સક્ષમતા અને સહકારી બેંકોના પડકારોનું નિવારણ તેમજ નેશનલ કોઓપરેટિવ ડેટાબેઝ અને સંસ્થાઓનું કોમ્પ્યુટરાઈઝેશન જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે સામૂહિક મંથન કરવામાં આવશે.
APMCના રૂ. 250 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટસનું લોકાર્પણ
આ પરિષદ દરમિયાન કેન્દ્રીય સહકારિતા મંત્રીના હસ્તે સહકારી સંસ્થાઓ અને APMCના રૂ. 250 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટસનું લોકાર્પણ તેમજ વિવિધ રાજ્યોની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને 'આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025' પરના એક વિશેષ અહેવાલનું વિમોચન કરવામાં આવશે. આ ઉપરાંત દિવસ દરમિયાન સહકાર મંત્રાલયની મુખ્ય પહેલો અને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને છત્તીસગઢ રાજ્યની પરિવર્તનકારી પહેલોને પણ આ પરિષદમાં રજૂ કરવામાં આવશે.
સહકાર મંત્રીશ્રીએ ગુજરાતની સહભાગિતા અંગે જણાવ્યું હતું કે, મંથન બેઠકના બીજા સત્રમાં ગુજરાતમાં “કો-ઓપરેશન અમોંગ ધ કો-ઓપરેટીવ” પહેલની સફળતા અંગે એક વિશેષ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે. “કો-ઓપરેશન અમોંગ ધ કો-ઓપરેટીવ”ના માધ્યમથી ગુજરાતમાં નવા ૩૩ લાખ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. 19 લાખ પશુપાલકોને RuPay ડેબિટ કાર્ડ અને ૨૨ લાખ ખેડૂતોને KCCથી જોડવામાં આવ્યા છે તથા ૧૨,૬૨૪ માઇક્રો ATM દ્વારા દર મહિને ૨૨ લાખ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે.
કુલ 20 સંસ્થાઓ પોતાના સ્ટોલ પ્રદર્શિત કરશે
આ પરિષદ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે યોજાનારી પ્રદર્શની અંગે સહકાર મંત્રીશ્રીએ કહ્યું હતું કે, મંથન બેઠક પૂર્વે કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રી મહાત્મા મંદિર ખાતે આયોજિત એક વિશેષ સહકારિતા પ્રદર્શનીનો શુભારંભ કરાવશે. જેમાં NDDB, NFDB, NCDC, IFFCO, NCEL, NCOL, BBSSL જેવી રાષ્ટ્રીય સ્તરની તેમજ અમૂલ (GCMMF),બનાસ ડેરી, ગુજકોમાસોલ અને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક જેવી ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થાઓ મળી કુલ 20 સંસ્થાઓ પોતાના સ્ટોલ પ્રદર્શિત કરશે.