Thu Sep 10 2026

Logo

ગુજરાતમાં નગરપાલિકાના 25 ચીફ ઓફિસરની બદલી, કચ્છની ત્રણ નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ બદલાયા

2026-08-26 14:42:41
Author: Mumbai Samachar Team
ગુજરાતમાં નગરપાલિકાના 25 ચીફ ઓફિસરની બદલી, કચ્છની ત્રણ નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ બદલાયા

Chat GPT Generated Image


ભુજઃ ગુજરાત રાજ્યમાં અત્યારે રાજ્યવ્યાપી બદલીનો દોર ચાલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, રાજ્યવ્યાપી આદેશ અંતર્ગત 25 મુખ્ય અધિકારીની બદલીના હુકમ જારી કર્યા છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા હાથ ધરાયેલી રાજ્યવ્યાપી બદલીઓ અંતર્ગત કચ્છની ત્રણ નગરપાલિકાના ચીફ ઓફિસરોની ફેરબદલી કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 

આમાં વિગતે વાત કરવામાં આવે તો, માંડવી નગરપાલિકાના મુખ્ય અધિકારી જિજ્ઞેશ બારોટની હારીજ અને નખત્રાણાના ભાવિન કાંધાણીની કેશોદ ખાતે બદલી કરવામાં આવી છે. માંડવી સુધરાઈના ચીફ ઓફિસરનો વધારાનો પ્રભાર મુંદરા-બારોઈ નગરપાલિકાના મુખ્ય અધિકારી વૈભવ વ્યાસને સોંપાયવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

સત્તાવાર રીતે જારી કરાયેલા હુકમ પ્રમાણે રાપર નગરપાલિકાના નવા મુખ્ય અધિકારી તરીકે બારેજાથી સંદીપસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી છે. નોંધનીય છે કે, સંદીપસિંહ ઝાલા અગાઉ પણ કચ્છમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. આ આદેશમાં કચ્છમાં પૂર્વ ફરજ બજાવી ચૂકેલા પારસ મકવાણા અને નીતિન બોડાતની પણ બદલીનો સમાવેશ થાય છે.

(ઉત્સવ વૈદ્ય)