Sat Sep 05 2026

Logo

ગુજરાતમાં એમબીએમાં એડમિશન બનશે અઘરું, રજિસ્ટ્રેશન વધ્યાં પણ સિટ્સ ઘટી

2026-02-24 14:04:00
Author: Tejas Rajpara
ગુજરાતમાં એમબીએમાં એડમિશન બનશે અઘરું, રજિસ્ટ્રેશન વધ્યાં પણ સિટ્સ ઘટી

અમદાવાદઃ  કૉમર્સના વિદ્યાર્થીઓ સીએ અથવા એમબીએ કરવાનું વધારે પસંદ કરતા હોય છે, આ સાથે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પણ એમબીએનો કોર્સ કરવામાં રસ ધરાવે છે, પરંતુ આ વર્ષે ગુજરાતની નામી કૉલેજોમાં બેઠકો ઘટી હોવાથી એડિમશન મળવાનું અઘરું બની રહેશે, તેમ સૂત્રો જણાવે છે.

જે વિદ્યાર્થીઓ કૉમન એન્ટ્રેન્સ ટેસ્ટ (કેટ)ની પરીક્ષા આપી પ્રવેશ મેળવવા ઈચ્છે છે, તેમની માટે ગુજરાતના સેન્ટર્સ ઓફ એક્સેલન્સની બેઠકો 1,020માંથી ઘટી 610 થઈ છે. બીજી બાજુ આ વખતે 773 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે સંખ્યા ગયા વર્ષે 650 આસપાસ હતી. 

 સૂત્રોના જણાવ્યા અનુસાર  પ્રોફેશનલ કોર્સિસ માટેની પ્રવેશ સમિતિ આ વર્ષે ત્રણ સેન્ટરમાં ઉપલબ્ધ 610 બેઠકમાંથી 191 બેઠક માટે પ્રવેશ લેશે, જેમાં 10 ટકા ઈકોનોમિકલી બેકવર્ડ ક્લાસ (ઈડબલ્યુએસ) બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી, 153 બેઠકો 25 ટકા એસીપીસી ક્વોટા હેઠળ આવે છે, જ્યારે બાકીની બેઠકો સેન્ટર દ્વારા તેમના પોતાના મેરિટ માપદંડના આધારે ભરવામાં આવે છે. અધિકારીઓનું માનવાનું છે કે  આ વર્ષે કેટ-આધારિત એમબીએ પ્રવેશમાં દરેક બેઠક માટે ઓછામાં ઓછા ચાર ઉમેદવાર સ્પર્ધા કરશે.

ગયા વર્ષે, ચાર સેન્ટરે કેટ-આધારિત એમબીએ પ્રવેશમાં ભાગ લીધો હતો, જેમાં  પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી (બે એમબીએ પ્રોગ્રામ માટે) અને મારવાડી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. મારવાડી યુનિવર્સિટીએ આ વર્ષે બહાર રહેવાનો વિકલ્પ પસંદ કર્યો છે. 2025માં યુનિવર્સિટી સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન 147 બેઠકમાંથી એક પણ બેઠક ભરી શકી ન હતી. તેથી હવે તેઓ રેગ્યુલર પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે. 

અન્ય સેન્ટરમાં, નિરમામાં ગયા વર્ષે એમબીએ-એચઆરએમમાં 12 બેઠકમાંથી છ ખાલી રહી હતી,  અને એપીપીસી દ્વારા ફાળવવામાં આવેલી 124 બેઠકોમાંથી સાત ખાલી જગ્યાઓ નોંધાવી હતી. અમદાવાદ યુનિવર્સિટીની અમૃત મોદી સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં 63 બેઠકોમાંથી 49 બેઠકો ખાલી હતી, જ્યારે પીડીઈયુમાં 75 બેઠકમાંથી 20 બેઠક ખાલી હતી. મારવાડી યુનિવર્સિટી બહાર નીકળી ગઈ છે અને એયુએ પણ સિટ્સ ઘટાડી છે. આથી એમબીએમાં એડમિશન લેવામાં ભારે સ્પર્ધાનો સામનો અભ્યાસના ઈચ્છુકોએ કરવો પડશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.