ગાંધીનગરઃ દર વર્ષે તા.૨૫ એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા 'વિશ્વ મેલેરિયા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ મેલેરિયા જેવા ગંભીર રોગના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવવી અને તેમાં જનસમુદાયની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. આ વર્ષે વિશ્વ મેલેરીયા દિવસની થીમ Driven to End Malaria: Now We Can. Now We Must નક્કી કરવામાં આવી છે.
મેલેરિયા નિર્મૂલન માટે રાજ્યના આરોગ્ય વિભાગની કામગીરી
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા નિર્મૂલન માટે સઘન આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સ, ફિવર સર્વેલન્સ, પોરાનાશક કામગીરી-Anti-larval activities, બાંધકામ સાઈટનું નિરીક્ષણ, મજૂરોનું બ્લડ સ્ક્રીનિંગ અને પાણીના સ્થગિત સ્ત્રોતોમાં પોરાભક્ષક માછલીઓ મૂકવાની કામગીરી સતત ચાલુ છે. રાજ્યના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રોમાં મેલેરિયાનું નિદાન અને સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવે છે.
છેલ્લા ૧૦ વર્ષમાં આરોગ્ય વિભાગની સઘન કામગીરીના પરિણામે મેલેરિયાના કેસોમાં ૯૨ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ- ૨૦૨૫ દરમિયાન ૧.૮૧ લાખથી વધુ તાવના દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું અને પોઝિટિવ કેસોમાં ત્વરિત સારવાર પૂરી પાડવામાં આવી હતી. રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં મેલેરિયાનો પોઝિટિવ દર ૧૦૦૦ની વસ્તીએ ૧ થી નીચે નોંધાયો છે, જેના પરિણામે ગુજરાત મેલેરિયા નિર્મૂલન અંતર્ગત કેટેગરી-૨ માંથી કેટેગરી-૧ માં સ્થાન પામ્યું છે.
મેલેરિયા કેવી રીતે ફેલાય છે અને તેના ચિન્હો ?
મેલેરિયા 'એનોફિલીસ' જાતિના માદા મચ્છર દ્વારા ફેલાતો પ્લાસમોડિયમ નામના પરોપજીવીથી થતો રોગ છે. આ મચ્છરો મુખ્યત્વે ચોખ્ખા અને બંધીયાર પાણીમાં પેદા થાય છે.
મુખ્ય લક્ષણો: સખત ઠંડી લાગવી, ધ્રુજારી સાથે તાવ આવવો, માથાનો દુખાવો, શરીરનો દુખાવો, ઉલટી કે ઉબકા આવવા અને તાવ ઉતરે ત્યારે વધુ પરસેવો થવો.