Mon Aug 24 2026

Logo

ગુજરાત - મહારાષ્ટ્રમાં વધશે ગરમી, આ રાજ્યોમાં વરસાદની આગાહી

2026-02-27 09:03:00
Author: Mayur Patel
Article Image


અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાતમાં તાપમાનનો પારો ધીમે ધીમે ઉંચકાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે વધારે નોંધાયું હું. જ્યારે બાકીના શહેરોમાં સામાન્ય નોંધાયું હતું. હવામાન વિભાગ મુજબ,  ગુજરાતમાં આગામી બે દિવસમાં મહત્તમ તાપમાન બે ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. જે બાદ પાંચ ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે. આ સાથે આગામી ચોથી માર્ચ સુધી દિવસના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી સાત દિવસ એટલે કે, ચોથી માર્ચ સુધીમાં ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. વરસાદની કોઈ આગાહી નથી.

ગુજરાત કિનારાના ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર અપર એર સર્ક્યુલેશન યથાવત છે. દક્ષિણ આંતરિક કર્ણાટકથી મરાઠાવાડા સુધી ઉત્તર આંતરિક કર્ણાટકમાં ટ્રફ યથાવત છે. ગુજરાત પર સરેરાશ સમુદ્ર સપાટી પર અપર એર સર્ક્યુલેશન સ્થિત છે. પાકિસ્તાનને અડીને આવેલા દક્ષિણપશ્ચિમ રાજસ્થાન પર અપર એર સર્ક્યુલેશન છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર છે.

મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન

મહારાષ્ટ્રના વાતાવરણમાં ફેબ્રુઆરીના અંતમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. માવઠાનું સંકટ ટળી ગયું છે અને ઠંડીનું જોર પણ ઘટ્યું છે. હવે મોટાભાગના વિસ્તારોમાં ગરમ અને સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે. રાજ્યમાં આગામી થોડા દિવસોમાં તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી વધવાની શક્યતા છે.

દેશના અન્ય રાજ્યોનું હવામાન

IMD અનુસાર આગામી સાત દિવસોમાં ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં 27 થી 28 ફેબ્રુઆરી અને 2 અને 4 માર્ચ દરમિયાન હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

દિલ્હીમાં માર્ચની શરૂઆત સુધી હવામાન ચોખ્ખું રહેવાની સંભાવના છે. આ દરમિયાન તાપમાનમાં વધારો થશે અને 32 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જોકે સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ રહી શકે છે . બિહારમાં તાપમાન 4 ડિગ્રી સુધી વધી શકે છે. જોકે બે દિવસ સુધી વાતાવરણમાં કોઈ ખાસ બદલાવ નહીં થાય.