Thu Jun 18 2026

Logo

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: અનામતના નવા સમીકરણો ભાજપ-કોંગ્રેસની ઊંઘ ઉડાડશે

2026-03-05 09:23:00
Author: MayurKumar Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરતું જાહેરનામું આ મહિનાના અંતમાં બહાર પાડવામાં આવે તેવી અપેક્ષા છે. આ વખતે ઘણી જગ્યાએ અન્ય પછાત વર્ગો (OBC) ક્વોટા, બેઠકોનું રોટેશન અને મહિલા અનામતથી સમીકરણો બદલાશે

મળતી વિગત પ્રમાણે,OBC માટે 27% અનામતનો અમલ, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના ઉમેદવારો માટે અનામત બેઠકોનું રોટેશન,  તમામ બેઠકો પર મહિલાઓ માટે 50 % અનામત આગામી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીના સમીકરણોને ધરમૂળથી બદલી નાખશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, OBC અનામત, SC-ST બેઠકોનું ત્રીજું રોટેશન અને 50% મહિલા અનામતના પરિણામે મોટાભાગના વર્તમાન (સીટિંગ) ઉમેદવારો બદલાય તેવી શક્યતા છે.

OBC અનામતમાં વધારો

અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC ઉમેદવારો માટે 10 % બેઠકો અનામત હતી, જે હવે વધીને 27% થઈ ગઈ છે. આને કારણે મોટી સંખ્યામાં વર્તમાન કાઉન્સિલરો અને પંચાયત સભ્યોએ OBC ઉમેદવારો માટે જગ્યા ખાલી કરવી પડશે.

SC-ST બેઠકોનું રોટેશન

2021ની વસ્તી ગણતરી કોવિડ-19 ને કારણે ન થઈ હોવાથી, 2011ની વસ્તી ગણતરીના આધારે જ બેઠકોનું ત્રીજું રોટેશન કરવામાં આવશે. મહાનગરપાલિકાઓમાં 2015 અને 2021માં બે રોટેશન થઈ ચૂક્યા છે, હવે ત્રીજા રાઉન્ડને કારણે રાજકીય પક્ષોએ નવા ઉમેદવારો શોધવા પડશે.

નવી મહાનગરપાલિકાઓ

નવ નવી રચાયેલી મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત ચૂંટણી યોજાશે. અહીં સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને નવા વોર્ડની રચના માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ચૂંટણી ક્યાં યોજાશે?

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર ઉપરાંત નવી બનેલી 9 મહાનગરપાલિકાઓ નડિયાદ, સુરેન્દ્રનગર, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ, પોરબંદર અને મહેસાણામાં ચૂંટણી યોજાશે.