અમદાવાદઃ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન તમામ પક્ષો પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને કેટલાક નેતાઓનો વાણી વિલાસ પણ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ચૂંટણી પ્રચારની એક સભામાં માઈક પર જ ગાળ બોલતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. એટલું જ નહીં માફી માગવાના બદલે તેમણે સ્વબચાવમાં વધુ વાણી વિલાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભાવનગરમાં ભાઈઓ-બહેનો બધા આવું બોલતા હોય છે અને આ સામાન્ય છે.
ક્યાંનો છે વીડિયો
ગોપાલ ઈટાલિયાનો આ વીડિયો ક્યાંનો છે તેને કોઈ સ્પષ્ટતા નથી. બેફામ બોલવા માટે જાણીતા ઇટાલિયાનો આ વીડિયો ભેંસાણ પંથકનો ઉલ્લેખ કરે છે, તેથી ત્યાંની કોઈ સભાનો હોવાનો માનવામાં આવે છે. જાહેરમાં બોલી ન શકાય તેવા અપશબ્દો બોલી નાખતા વધુ એક વિવાદ સર્જાયો છે. ઈટાલિયા પોતે તો ગાળ બોલ્યા પરંતુ ભાવનગરમાં ભાઈઓ-બહેનો અને છોકરાઓ આવું બોલતા હોવાનું કહીને તમામને પોતાની સમકક્ષ ગણાવવાની હરક્ત પણ કરી છે. એટલું જ નહીં રેગ્યુલર બોલતા હોવાનું પણ કહ્યું હતું. તે સાથે સુરતમાં પણ આમ બોલાતું હોવાનું કહી દીધું હતું.
કોંગ્રેસનો ઉમેદવાર વિજેતા બનશે તો હું ત્યાં ગ્રાન્ટ નહીં આપુંઃ મિતેશ પટેલ
આંકલાવમાં આયોજિત એક જાહેરસભામાં આણંદના સાંસદ મિતેશ પટેલે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં કહ્યું હતું કે, જો આંકલાવ વિસ્તારમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની એક પણ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર વિજેતા બનશે, તો હું ત્યાં એક રૂપિયો પણ ગ્રાન્ટ તરીકે આપવા દઈશ નહીં.
તમારું મન આઘું-પાછું થશે તો હનુમાનદાદા ગદા મારશે: કેશાજી ચૌહાણ
બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના વર્ષો જૂના ગઢને તોડવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. જે અંતર્ગત પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ અને દિયોદરના ધારાસભ્યએ અમીરગઢ વિસ્તારમાં ઠાકોર સમાજ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ડુંગરપુરી મહારાજની ધૂણીએ આયોજિત આ બેઠકમાં રાજકીય પ્રચારની સાથે ધાર્મિક ભાવનાઓનો પણ સહારો લેવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન મતદારોને સંબોધતા કેશાજી ચૌહાણે આકરા તેવર બતાવ્યા હતા. તેમણે મતદારોને વચનમાં લેતા કહ્યું કે, જો તમારું મન આઘું-પાછું થશે , તો હનુમાનદાદા ગદા મારશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમીરગઢમાં વર્ષોથી કોંગ્રેસનો કબજો છે, પરંતુ જો ફરીથી કોંગ્રેસ જીતશે તો તમારા કામો અટકી જશે. કોંગ્રેસના નેતાઓ એવું બહાનું કાઢશે કે ઉપર ભાજપની સરકાર છે એટલે કામ નહીં થાય. આથી, વિકાસ માટે ભાજપને મત આપવો જરૂરી છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
જેણે મારી ટિકિટ કાપી ભગવાન ત્રણ મહિનામાં તેના આત્માને શાંતિ આપેઃ દેવા અવાડિયા
મોરબી મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહેલા પૂર્વ નેતા દેવા અવાડિયાએ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, જેણે મારી ટિકિટ કાપી તેના માટે હું ઉપરવાળાને પ્રાર્થના કરું છું કે બરાબર ત્રણ મહિના અને એકવીસ દિવસે ભગવાન તેના આત્માને શાંતિ આપે. મેં આ માટે મારા ઘરે અખંડ દિવો રાખ્યો છે. તેના ફોટાને હું બરાબર 111 દિવસે પગે લાગવા જઈશ. ટિકિટ કપાયા બાદ તેમણે તેમના પુત્ર અને બે સમર્થકોને અપક્ષ તરીકે મેદાનમાં ઉતાર્યા છે. તેમણે મોરબીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પ્રધાન કાંતિ અમૃતિયાનું નામ લીધા વગર આવું નિવેદન કર્યું હતું.
અમૃતિયાએ કહ્યું, ઘણાને ટિકિટ મળી નથી તેથી નારાજ છે. કહે છે કે મેં અખંડ દિવો રાખ્યો છે અને ભગવાન તેનું ધનોતપનોત કાઢી નાંખે પરંતુ દિવાનું ઘી હરામના પૈસાનું છે. ઘરના પૈસાનું નથી. તમારામાં તાકાત હોય તો સામે આવો. હું જ્ઞાતિવાદમાં નથી માનતો. 19 અલગ અલગ જ્ઞાતિના લોકોને અહીં પાર્ટીએ ટિકિટ આપી છે.
ચૈતર આદિવાસી મહિલાઓનું શારીરિક શોષણ કરે છેઃ ગણપત વસાવા
ભાજપના ધારાસભ્ય ગણપત વસાવાએ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવા પર ચારિત્ર્યલક્ષી આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું, જો નકલી મસીહાને ઓળખવા હોય તો ડેડિયાપાડાનો પ્રવાસ કરવો પડે. પોતાની જ પાર્ટીની કાર્યકર્તા બહેનોનું શોષણ કરતો હોય તેને આદિવાસી મસીહા કેવી રીતે કહી શકાય.
અમદાવાદમાં લવ જેહાદનો મુદ્દો આવ્યો ચર્ચામાં
અમદાવાદમાં પ્રચાર દરમિયાન લવ જેહાદનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. જમાલપુર વોર્ડના AIMIM ઉમેદવાર અબ્દુલ અહદે એક જાહેર સભામાં ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા લવ જેહાદના નામે અમદાવાદના ચાર મુસ્લિમ યુવકોને માર મારવામાં આવ્યો છે, જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. અબ્દુલ અહદે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, જો અમે ચૂંટણીમાં સફળ થઈશું, તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આવા તત્વોને રોકીશું અને તેમને પાઠ ભણાવીશું.
AIMIMના આ નિવેદન સામે બજરંગ દળના નેતા જ્વલિત મહેતાએ અત્યંત આક્રમક પ્રતિક્રિયા આપી હતી. તેમણે અબ્દુલ અહદના આંકડાઓને પડકારતા ખુલ્લેઆમ સ્વીકાર્યું કે, તમારા આંકડા ખોટા છે, અમે 4 નહીં પણ 400ને માર્યા છે અને તેમને નાગીન ડાન્સ પણ કરાવ્યો છે. જો કોઈ પણ મુસ્લિમ યુવક હિન્દુ બહેન-દીકરીઓ સાથે લવ જેહાદનું ષડયંત્ર કરશે, તો તેની હાલત આવી જ કરવામાં આવશે. AIMIMના નેતાઓ જો પોતાના સમાજના છોકરાઓની ચિંતા કરતા હોય, તો તેમને હિન્દુ દીકરીઓથી દૂર રહેવાની સલાહ આપે.