ભાજપ-કોંગ્રેસ વચ્ચે મારામારી, 'આપ'ના ઉમેદવારના પતિનું અપહરણ અને રાજકોટમાં અટકાયતથી માહોલ ગરમાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન હિંસા, જૂથબંધી અને અટકાયતની અનેક ઘટનાઓ સામે આવતા રાજકીય માહોલ ગરમાયો હતો. અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટાહાથની મારામારી થતા પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી હતી, જ્યારે મેઘાણીનગરમાં બૂથ કેપ્ચરિંગના આરોપસર અને સરખેજમાં કોંગ્રેસના ટેબલ પર તોડફોડને લઈ ઘર્ષણ થયું હતું.
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૩માં કોંગ્રેસના ઉમેદવાર હર્ષિલભાઈ દવે પર ભાજપના ઉમેદવાર અને તેમના સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસે આ ઘટનાને 'લોકશાહીની હત્યા' ગણાવી જનતાને ભાજપના ગુંડારાજનો જવાબ બેલેટ પેપરથી આપવા હાકલ કરી હતી. આ સાથે જ તાપીના બુહારીમાં ભાજપના બે જૂથો વચ્ચે અને નવસારીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે મારામારીના અહેવાલો મળ્યા હતા.
દાહોદના સંજેલી ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવારના પતિનું અપહરણ કરી તેમને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો ખળભળાટ મચાવતો આરોપ પક્ષે લગાવ્યો હતો. 'આપ'ના જણાવ્યા અનુસાર, તેમને અગાઉથી જ ફોર્મ પાછું ખેંચવા ધમકીઓ મળી રહી હતી.
બીજી તરફ, રાજકોટમાં આચારસંહિતાના ભંગ બદલ કડક કાર્યવાહી જોવા મળી હતી, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી સહિત ૨૦ જેટલા કાર્યકરો મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં પ્રચાર કરી રહ્યા હોવાનું જણાતા પોલીસે તેમની અટકાયત કરી હતી.