Thu Sep 03 2026

Logo

ભરૂચમાં મિણબત્તીના અજવાળે મતદાન; અમદાવાદ-વડોદરામાં ઇવીએમની ખામીથી હાલાકી

2026-04-26 19:59:36
Author: Devayat Khatana
ભરૂચમાં મિણબત્તીના અજવાળે મતદાન; અમદાવાદ-વડોદરામાં ઇવીએમની ખામીથી હાલાકી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ટેકનિકલ ખામી અને અવરોધોના કિસ્સાઓ સામે આવ્યા હતા. ભરૂચમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં મતદાન મથકમાં અંધકાર છવાઈ ગયો હતો. જોકે, લોકોએ મિણબત્તીના અજવાળે પણ પોતાનો મતાધિકાર વાપરીને નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી.

બીજી તરફ, અમદાવાદના વાસણા વોર્ડમાં આવેલી જી.બી. શાહ કોલેજના બૂથ નંબર 43 પર ઇવીએમમાં મુશ્કેલીની ફરિયાદ ઉઠી હતી. એક મતદારે બેલેટ યુનિટનું બટન દબાવવામાં પડતી મુશ્કેલી અંગે જાણ કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું. જોકે, તપાસ બાદ અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે લાલ લાઈટ ચાલુ થતી હોવાથી મત યોગ્ય રીતે નોંધાઈ રહ્યો છે, તેમ છતાં સાવચેતીના ભાગરૂપે માસ્ટર ટ્રેનર દ્વારા મશીનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી જય અંબે સ્કૂલ ખાતે સ્થિત મતદાન મથક પર ઇવીએમ ખોરવાતા મતદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અહીં રૂમ નંબર 30માં રાખવામાં આવેલું ઇવીએમ મશીન ટેકનિકલ ખામીને કારણે સવારના સમયે અંદાજે એક કલાક સુધી બંધ રહ્યું હતું.

મતદાન શરૂ થવાના મહત્વના સમયે જ મશીન બંધ થઈ જતાં લાંબી કતારો લાગી હતી અને છેવટે તંત્ર દ્વારા ખામી સુધારવામાં વિલંબ થતા અનેક જાગૃત મતદારો પોતાનો મત આપ્યા વિના જ પરત ફર્યા હોવાના અહેવાલો સૂત્રો દ્વારા પ્રાપ્ત થયા હતા.