અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તેમ છતાં સામે આવેલા આંકડા મુજબ, રાજ્યમાં 33 હજાર પરમિટ ધારકો છે. રાજ્યમાં દારૂની પરમિટમાં અમદાવાદ પ્રથમ અને સુરત બીજા ક્રમે છે.
દારૂના પરમિટધારકોમાં અમદાવાદ નંબર 1
રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, માત્ર અમદાવાદમાં જ 14,862 સક્રિય પરમિટધારકો છે. આ યાદીમાં સુરત બીજા ક્રમે છે, જ્યાં 8,622 લોકો પાસે પરમિટ છે. 3754 પરમિટધારકો સાથે વડોદરા ત્રીજા ક્રમે છે. આણંદમાં 1,611 અને કચ્છ 1,558 પરમિટધારકો છે.
અહીં છે સૌથી ઓછા પરમિટધારકો
બીજી તરફ, પાટણ જેવા જિલ્લાઓમાં માત્ર 80 અને સાબરકાંઠામાં 89 પરમિટધારકો છે. નવસારીમાં 164 અને ગીર સોમનાથમાં 196 લોકો પાસે પરમિટ છે.
નવી પરમિટ લેવામાં પણ અમદાવાદ મોખરે
છેલ્લા બે વર્ષમાં નવી પરમિટ આપવામાં પણ અમદાવાદ મોખરે રહ્યું છે, જ્યાં 1,146 નવી પરમિટ આપવામાં આવી છે, જ્યારે સુરતમાં 1,251 અને વડોદરામાં 453 નવી પરમિટ ઇશ્યૂ કરવામાં આવી છે. રિન્યુઅલની વાત કરીએ તો, અમદાવાદમાં સૌથી વધુ 6,988 પરમિટ રિન્યુ થઈ છે, જ્યારે સુરતમાં 5,808 અને વડોદરામાં 1,671 પરમિટ રિન્યુ કરવામાં આવી છે.
છેલ્લા બે વર્ષમાં માત્ર 30 પરમિટ રદ કરવામાં આવી
આ આંકડાઓમાં સૌથી ચોંકાવનારી બાબત રદ કરાયેલી પરમિટની ઓછી સંખ્યા છે. તમામ જિલ્લાઓ મળીને છેલ્લા બે વર્ષમાં માત્ર 30 પરમિટ રદ કરવામાં આવી છે. જેમાંથી અમદાવાદમાં 24 અને સુરતમાં માત્ર 2 પરમિટ રદ થઈ છે, જ્યારે વડોદરામાં એક પણ પરમિટ રદ થઈ નથી. આ દર્શાવે છે કે એકવાર પરમિટ મળી ગયા પછી તે ભાગ્યે જ પાછી ખેંચવામાં આવે છે.
ઉલ્લેખનીય છે ગુજરાત વિધાનસભામાં થોડા દિવસ પહેલા જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ અમદાવાદ સિવિલમાં હેલ્થ લિકર પરમિટનો પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, 20-01-2026ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ સિવિલમાં હેલ્થ લિકર પરમીટની કેટલી ભલામણો આવી, તેમાંથી કેટલી ભલામણો મંજૂર કરવામાં આવી અને કેટલી ભલામણો નામંજૂર કરવામાં આવી?
કેટલા લોકોએ લિકર પરમિટની કરી અરજી
તેમના પ્રશ્નનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, 21-01-2024થી 20-01-2025 સુધી 292 નવી અરજી, રીન્યુ માટેની 292 અરજી મળી કુલ 3259 અરજી મળી હતી. જ્યારે 21-01-2025થી 20-01-2026માં 956 નવી અરજી, રીન્યુ માટેની 2955 અરજી મળી કુલ 3911 અરજી મળી હતી. બે વર્ષમાં 1248 નવી અરજી અને 5922 રીન્યુ માટે મળી કુલ 7170 અરજી મળી હતી. એક વર્ષમાં લિકર પરમીટ માટે અરજીકર્તાની સંખ્યામાં 300 ટકાથી વધુનો વધારો થયો હતો.
કેટલી અરજી થઈ મંજૂર
જે પૈકી 21-01-2024 થી 20-01-2025 સુધીમાં 278 નવી અરજી, 2952 રીન્યુ અરજી મળી કુલ 3230 અરજી મંજૂર કરવામાં આવી હતી. જ્યારે 21-01-2025 થી 20-01-2026 સુધીમાં 883 નવી અરજી, 2932 રીન્યુ અરજી મળી કુલ 3815 અરજી મંજૂર કરવામાં આવી હતી. બે વર્ષમાં કુલ 1161 નવી, 5884 રીન્યુ અરજી મળી કુલ 7045 અરજી મંજૂર કરાઈ હતી.