Sat Jun 20 2026

Logo

ગુજરાતમાં ભૂમાફિયાઓ બેફામ: 53 વર્ષ પહેલાં અવસાન પામેલા ખેડૂતને કાગળ પર ‘જીવતો’ કરી કરોડોની જમીન પચાવી પાડી!

2026-06-20 19:14:01
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં ભૂમાફિયાઓ અને સરકારી તંત્રની મિલીભગતથી આચરવામાં આવતા જમીન કૌભાંડોના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે, પરંતુ તાજેતરમાં અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં સામે આવેલા બે કથિત કેસોએ વહીવટી તંત્રની પારદર્શિતાના ધજાગરા ઉડાવી દીધા છે. કાયદા અને ટેકનોલોજીનો દુરુપયોગ કરીને ભૂમાફિયાઓએ કરોડો રૂપિયાની કિંમતી જમીનો પચાવી પાડવા માટે જે નકલી નેટવર્ક ઊભું કર્યું હતું, તેના આંકડા અને વિગતો જોઈને ખુદ તપાસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો આવો દાવો

આ ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જાહેરમાં કેટલાક સત્તાવાર દસ્તાવેજો રજૂ કરીને કર્યો હતાં. આક્ષેપો મુજબ, બાયડ તાલુકાના વાસણીરેલ ગામની કરોડોની કિંમતની 9 વીઘા જમીન સગેવગે કરવા માટે આખું નકલી માળખું તૈયાર કરાયું હતું. આ જમીન મહેસૂલી રેકોર્ડમાં છગનભાઈ જીવણભાઈ પટેલના નામે નોંધાયેલી હતી, જેમનું અવસાન 53 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 1972માં થઈ ચૂક્યું હતું.

મૃત્યુ પામેલા વ્યક્તિના નામે આધાર કાર્ય બનાવ્યું

યુવરાજસિંહના આક્ષેપ અનુસાર, 1972માં મૃત્યુ પામેલા વ્યક્તિના નામે વર્ષ 2010માં નકલી આધાર કાર્ડ કઢાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, છેતરપિંડી આચરવા માટે તાજેતરમાં તારીખ 08/04/2025ના રોજ મૃતક વ્યક્તિનું ડિજિટલ બાયોમેટ્રિક વેરિફિકેશન પણ કરાવી દેવાયું! ભૂમાફિયાઓની ઉતાવળમાં એવી ગંભીર ભૂલ થઈ ગઈ કે બનાવેલા બોગસ ઓળખપત્રોમાં દાદાની ઉંમર તેમના સગા પૌત્ર કરતા પણ 8 વર્ષ નાની દર્શાવી દેવામાં આવી છે. આ નકલી દસ્તાવેજો, બોગસ પાવર ઓફ એટર્ની, બેંકિંગ ફ્રોડ અને ભાડૂતી સાક્ષીઓ ઉભા કરી બાયડ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં કરોડોની જમીનનો વ્યવહાર પૂર્ણ કરી દેવાયો, જે સરકારી તંત્રની મિલીભગત તરફ આંગળી ચીંધે છે.

બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે આપ્યાં તપાસના આદેશ

બીજી તરફ, બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક આવેલા કુંભારિયા ગ્રામ પંચાયતમાં પણ આવું જ એક સુનિયોજિત જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અહીં વર્ષ 2014માં મૃત્યુ પામેલી એક મહિલાના નામે વર્ષ 2015માં ખોટા અને કૂટ દસ્તાવેજો બનાવીને કરોડોની કિંમતી જમીન પચાવી પાડવામાં આવી હતી. આ મામલાની ગંભીરતાને જોતાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે તાત્કાલિક અસરથી એક્શન લઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી દીધી છે. કલેક્ટર મિહિર પટેલે માત્ર કુંભારિયા જ નહીં, પરંતુ દાંતા, હડાદ અને અમીરગઢ જેવા સરહદી વિસ્તારોમાં અગાઉ થયેલા તમામ શંકાસ્પદ જમીન દસ્તાવેજોની વિગતો પણ સબ-રજિસ્ટ્રાર કચેરી પાસેથી મંગાવી લીધી છે, જેને પગલે સરકારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

દાયકાઓ પહેલાં મૃત્યુ પામેલા મૂળ ખાતેદારોના નામે પાવર ઓફ એટર્ની અને દસ્તાવેજોની નોંધણી વખતે સરકારી અધિકારીઓએ શા માટે જરૂરી ચકાસણી ન કરી? વારસદારોની હાજરી હોવા છતાં વારસાઈ પ્રક્રિયાને કેમ બાયપાસ કરાઈ? આ તમામ પ્રશ્નો અત્યારે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યા છે. હાલમાં બંને કેસમાં કાયદાકીય તપાસ તેજ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં મોટા માથાઓ જેલભેગા થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.