Sat Sep 12 2026

Logo

ST બસમાં હવે મુસાફરી દરમિયાન એક ક્લિક પર નોંધાવી શકાશે ફરિયાદ કે સૂચન! તરત જ લેવાશે એક્શન

2026-06-20 19:22:22
Author: Devayat Khatana
ST બસમાં હવે મુસાફરી દરમિયાન એક ક્લિક પર નોંધાવી શકાશે ફરિયાદ કે સૂચન! તરત જ લેવાશે એક્શન

ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એટલે કે ગુજરાત એસટી નિગમની સેવાઓ હવે સતત સુધરી રહી છે. નવી બસો, આધુનિક સુવિધા સાથે હવે જો મુસાફરોને કોઈ અગવડતા કે ફરિયાદ કે સુવિધા અંગેના પ્રતિભાવોને  QR કોડ સ્કેન કરી આપી શકશે. ગુજરાત એસટીના આ નવા નિર્ણય અંતર્ગત ડિજિટલ QR કોડ આધારિત પેસેન્જર ફીડબેક સિસ્ટમનો હવે સમગ્ર રાજ્યમાં મોટા પાયે વિસ્તાર કરવામાં આવ્યો છે. માર્ચ 2025માં ટ્રાયલ બેઝ પર શરૂ કરાયેલી આ આધુનિક સિસ્ટમને મુસાફરો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. એક સત્તાવાર અહેવાલ અનુસાર, અંદાજે 13 લાખથી વધુ મુસાફરોએ આ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે, જેમાં એસટીની સુવિધાઓને 5 માંથી સરેરાશ 4.7 સ્ટારનું શાનદાર રેટિંગ મળ્યું છે.

શરૂઆતમાં માત્ર પ્રીમિયમ લક્ઝરી બસો પૂરતી સીમિત આ વ્યવસ્થાને મુસાફરોના હકારાત્મક પ્રતિસાદ બાદ હવે રાજ્યભરના 125 બસ સ્ટેશનો, ડેપો કંટ્રોલ પોઈન્ટ્સ અને 8 હજારથી વધુ એસટી બસોમાં લાગુ કરી દેવામાં આવી છે. મુસાફરો હવે પોતાની મુસાફરી દરમિયાન માત્ર એક QR કોડ સ્કેન કરીને સીધા પોતાના મોબાઈલ ફોનથી જ બસની સુવિધા અંગે રેટિંગ આપી શકે છે તેમજ સેવા સંબંધિત કોઈપણ ફરિયાદ કે સૂચન તુરંત જ ઓનલાઈન નોંધાવી શકે છે.

આ નવીનતમ ડિજિટલ સુવિધા માત્ર ફીડબેક લેવા પૂરતી સીમિત નથી, પરંતુ મુસાફરોની સમસ્યાઓના ત્વરિત નિવારણ માટેનું એક સશક્ત માધ્યમ બની છે. આ અંગે માહિતી આપતા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, GSRTC મુસાફરો પાસેથી માત્ર ફિડબકે મેળવીને અટકી જતું નથી, પરંતુ તેના પર પ્રો-એક્ટિવ કામગીરી પણ કરે છે. મુસાફરો દ્વારા નોંધાવાતી ફરિયાદો અને સૂચનો સીધા સંબંધિત વિભાગો અને સ્થાનિક ડેપોને મોકલી, વિલંબ વગર તેની ખરાઈ કરીને જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવે છે, જેથી લોકોને શ્રેષ્ઠ જાહેર પરિવહન સેવા મળી રહે.

મુસાફરો તરફથી મળેલા આંકડાઓ સ્પષ્ટ કરે છે કે એસટી નિગમની સેવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. અલગ-અલગ પરિમાણો પર નજર કરીએ તો, મુસાફરોએ એસટી સ્ટાફના વર્તન અને મુસાફરોની સુરક્ષાને 4.9 સ્ટાર, જ્યારે બસોની સ્વચ્છતા, સીટની આરામદાયકતા અને સમયપાલનને 4.8 સ્ટારનું બેસ્ટ રેટિંગ આપ્યું છે.