સુરત: દક્ષિણ ગુજરાતમાં આદિવાસોઓમાં મિશનરીઓ દ્વારા ચાલતી વટાળ પ્રવૃતિઓ વિશે ખૂબ જ ચર્ચા જાગે છે, ત્યારે સુરતમાંથી એક જુદો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જે દર્શાવે છે કે આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણ સામે 'ઘર વાપસી' અભિયાન વેગ પકડી રહ્યું છે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંદાજે 50 જેટલા આદિવાસી સમાજના લોકોએ, જેમણે અગાઉ કોઈ કારણોસર ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લીધો હતો, તેમણે સ્વેચ્છાએ પોતાના મૂળ હિન્દુ ધર્મમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો છે.
આ પરિવારોને સનાતન હિન્દુ ધર્મમાં વિધિવત રીતે પુનઃ પ્રવેશ કરાવવા માટે માંગરોળ રોડ પર આવેલા પ્રખ્યાત જલેબી હનુમાન દાદા મંદિર ખાતે એક ભવ્ય 'ઘર વાપસી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મંદિર પરિસરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
વૈદિક મંત્રોચ્ચાર સાથે કરાયું સ્વાગત
મંદિરના પૂજારીઓ અને સંતોની ઉપસ્થિતિમાં સંપૂર્ણ વૈદિક રીત-રિવાજો અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા-અર્ચના કરવામાં આવી હતી. પવિત્ર મંત્રોચ્ચાર અને શુદ્ધિકરણની પ્રક્રિયા બાદ આ તમામ પરિવારોને સનાતન ધર્મમાં આવકારવામાં આવ્યા હતા. હિન્દુ ધર્મમાં પાછા ફરેલા આ જૂથમાં કુલ ૪૭ સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં ૨૧ મહિલાઓ, ૨૦ પુરુષો અને ૬ બાળકો છે. આ તમામ લોકોએ શ્રદ્ધાપૂર્વક પૂજા-આરતીમાં ભાગ લઈ સનાતન ધર્મનો અંગીકાર કર્યો હતો.
વ્યસનમુક્તિના શપથ લીધા
આ કાર્યક્રમ માત્ર ધાર્મિક પરિવર્તન પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ સામાજિક સુધારાનો સંદેશ પણ આપ્યો હતો. હિન્દુ ધર્મમાં પરત ફરેલા તમામ આદિવાસી ભાઈ-બહેનોએ જીવનભર તમામ પ્રકારના વ્યસનોથી મુક્ત રહેવાના સામૂહિક શપથ લીધા હતા. આ પ્રસંગે ભાવુક થયેલા આદિવાસી પરિવારોએ જણાવ્યું હતું કે, તેઓ પોતાની સંસ્કૃતિ, પરંપરા અને મૂળિયાં સાથે ફરીથી જોડાઈને ગર્વ અનુભવી રહ્યા છે.