(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ કેસર કેરી માટે દાઢ સજાવીને બેસાલા રસિયાઓને થોડું માઠું લાગે તેવા સમાચાર છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં જ બજારોમાં દેખાવા લાગતી સોરઠની કેસર કેરી આ વર્ષે એપ્રિલના બીજા પખવાડિયાથી શરૂ થાય તેવી સંભાવના છે. જોકે હાલમાં જે સ્થિતિ છે તે જોતા કેરીનું ઉત્પાદન કેટલું અને કેવું હશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ કેરીનો ફાલ મોડો આવશે અને જૂન મહિના સુધી કેરી ખાઈ શકાશે, તેવી માહિતી જાણકારોએ આપી હતી.
આ અંગે મુંબઈ સમાચાર સાથે વાત કરતા જૂનાગઢ ખાતેની હોર્ટિકલ્ચર કૉલેજના પ્રિન્સિપાલ અને ડિન ડૉ. ડી.કે. વરુએ જણાવ્યું હતું કે આ વર્ષે મોર આવવાની પ્રક્રિયા મોડી શરૂ થઈ છે અને છૂટાછવાયા મોર આવી રહ્યા છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં આંબાને મોર ફૂટવાનું શરૂ થાય છે અને લગભગ 40 દિવસમાં પ્રક્રિયા પૂરી થાય છે, પરંતુ આ વખતે નવેમ્બર મહિનામાં મોર આવ્યા ન હતા. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં થોડા થોડા મોર આવવાનું શરૂ થયું. ત્યારબાદ હવે ફરી ફેબ્રુઆરી મહિનામાં આંબાઓમાં મોર બેસવાનું શરૂ થયું છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં જે આંબામાં મોર આવ્યા છે તે ખાખડીઓ લખોટી કે ચણા સાઈઝની થઈ છે. મોર એટલે કે ફ્લાવરના ફર્ટિલાઈઝેશન બાદ લગભગ 120 દિવસની પ્રક્રિયા બાદ કેરી બજારમાં આવે છે તે જોતા એક ફાલ એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયા બાદ આવવાનો શરૂ થશે. જ્યારે જે મોર ફેબ્રુઆરીમાં આવ્યા છે તે કેરીનો ફાલ લગભગ મે મહિનાના અંતમાં કે જૂનના પહેલા અઠવાડિયામાં આવવાની શકયતા છે. ખૂબ જ ઓછા બગીચાઓ છે જ્યાં હાલમાં મોટી કાચી કેરીઓ લટકે છે. આ ફાલ માર્ચના અંતમા બજારોમાં ઠલવાય તો પણ તે મર્યાદિત હશે અને મોંઘો હશે, તેમ તેમણે જણાવ્યું હતું.
આ સાથે ઉત્પાદન વિશે તેમણે જણાવ્યું હતું કે ગ્લોબલ વૉર્મિગને લીધે વાતાવરણમાં થયેલા ફેરફારની અસર કેરીના ઉત્પાદન પર જોવા મળે છે. આ વર્ષે ઉત્પાદન કેવું અને કેટલું થશે તે અત્યારથી કહેવું મુશ્કેલ છે.
હાલમાં આંબા મોર એટલે કે ફ્લાવરથી લચેલા દેખાતા હોય, પરંતુ તેમાં હોર્મોફલોડાઈટ ફ્લાવર એટલે કે નર અને માદા બન્નેની ભૂમિકા ભજવે તેવા કમ્પ્લીટ ફ્લાવરની સંખ્યા કેટલી છે, તેના પર ઉત્પાદનનો આધાર છે. આ સાથે કેરી માટે જેવું વાતાવરણ જોઈએ તેવું વાતાવરણ નથી. કેરીના શ્રેષ્ઠ ઉત્પાદન માટે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન દિવસ દરમિયાન 25થી 28 ડિગ્રી મહત્તમ તાપમાન અને રાત્રે 15 ડિગ્રી આસપાસ લઘુતમ તાપમાન રહે તે જરૂરી છે, પરંતુ આ પ્રમાણેનું તાપમાન રહ્યું નથી. આ સાથે વરસાદી માહોલ સર્જાય અને સારો એવો વરસાદ આવે તો ડિસેમ્બર-જાન્યુઆરીવાળા પાકને અસર થાય. તેવી જ રીતે માર્ચ મહિનાથી જો વધારે ગરમી શરૂ થશે તો ફેબ્રુઆરીમા આવેલા ફ્લાવરની ફર્ટિલાઈજેશનની પ્રોસેસ અવરોધાશે. આથી હાલમાં ઉત્પાદન કેવું રહેશે, તે નક્કી કરી શકાતું નથી. બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં સોમવાર-મંગળવારે આવેલા વરસાદી ઝાપટાને લીધે આંબાને નુકસાન ગયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં લગભગ 15થી 16 હજાર હેક્ટર વિસ્તારમાં આંબાની ખેતી થાય છે. સૌરાષ્ટ્રની કેસર કેરી ગુજરાત અને દેશમાં તો લોકપ્રિય છે જ, પરંતુ વિદેશોમાં પણ તેની ખૂબ માગ છે.