ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા છ મહિનાથી પોસ્ટિંગ વિના નવરા બેઠેલા 10 ડીઆઈજી કક્ષાના આઈપીએસ અધિકારી પૈકી 6 અધિકારીને કામચલાઉ કામગીરી સોંપાઈ હતી, જ્યારે 5 ડીઆઈજી કક્ષાના અધિકારીઓ અંગે કોઈ નિર્ણય ના લેવાતાં તેમણે હજુ નવરા જ બેસી રહેવું પડશે. જે 6 આઈપીએસ અધિકારીને કામગીરી સોંપાઈ તેમને પણ બેસવા માટેની જગ્યા મળી છે પણ તેમના પગાર અંગે કોઈ નિર્ણય નથી લેવાયો. આ તમામ અધિકારી છેલ્લા છ મહિનાથી પગાર વિના કામ કરે છે.
બીજા 5 IPS અધિકારી પગાર વિના નવરાધૂપ
ગુજરાતમાં હજુ પણ 5 આઈપીએસ અધિકારી કામ વિના નવરાધૂપ જ બેઠા છે. આ અધિકારીઓમાં હિતેશ જોયસર, સરોજ કુમારી, આર.વી. ચુડાસમા, આર.પી. બારોટ અને ડો. જી.એ. પંડ્યાનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારી 2011 બેચના છે. જેમને કામચલાઉ કામગીરી સોંપાઈ છે એ અધિકારીઓને પગાર નહીં મળે પણ ભથ્થું મળશે જ્યારે આ અધિકારીઓને તો પગાર કે ભથ્થું કશું મળશે નહીં.
આ ડીઆઈજી કક્ષાના અધિકારીઓ હજી નવરા બેસી રહેશે
સીનિયર મોસ્ટ આઈપીએસ અધિકારી સમશેરસિંઘ અંગે પણ કોઈ નિર્ણય ના લેવાતાં તેમણે પણ નવરા બેસવું પડશે. સમશેરસિંહ ડાયરેક્ટર જનરલ (ડીજી) રેન્કના આઈપીએસ અધિકારી છે. રાજ્ય સરકારે એક એસપી કક્ષાના અધિકારીને પણ કામચલાઉ કામગીરી સોંપી છે. આ તમામ અધિકારીઓને નિયમિત પોસ્ટિંગ ના મળતાં ઓગસ્ટ, 2025થી નવરા છે. તેના કારણે તેમના પગારો પણ અટકી ગયા છે. સમશેરસિંગ આગામી મહિને નિવૃત થઈ રહ્યાં છે ત્યારે તેમને પોસ્ટિંગ નહીં અપાય તો હોદ્દા વિના જ નિવૃત્તિ લેવી પડશે.

રાજ્ય સરકારે ડીઆઈજી રેન્કના 10 અધિકારીમાંથી તરૂણ દુગ્ગલ, આર.ટી સુશ્રા, ચૈતન્ય માંડલીક, સુધા પાંન્ડે, સુજાતા મજમુદારને કામચલાઉ કામગીરી સોંપી છે. એસ.પી મયુર પાટીલને પણ કામચલાઉ રીતે કાયદો અને વ્યવસ્થાના જન સંપર્ક કાર્યાલયમાં કામગીરી કરવા આદેશ કરાયો છે.
ડીઆઈજી કક્ષાના અધિકારીઓમાં ડૉ. તરુણ દુગ્ગલને ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઈમ અને રેલવેમાં કામચલાઉ રીતે મૂકાયા છે જ્યારે ચૈતન્ય માંડલિકને પોલીસ આધુનિકીકરણની કામગીરી સોંપાઈ છે. આર ટી સુસરાને ટેકનિકલ સર્વિસીસમાં મૂકાયા છે જ્યારે સુધા એસ પાંડે અને સુજાતા મઝમુદાર બંનેને પોલીસ ટ્રેઈનિંગને લગતી કામગીરી સોંપાઈ છે.
ઈન્ચાર્જ બનાવાયા પણ કામગીરીની સ્પષ્ટતા નહીં
પોલીસના વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવેલા ઓર્ડરમાં આ છ અધિકારીને કામચલાઈ નિમણૂક આપીને ઈન્ચાર્જ બનાવાયા હોવાનું એટલે કે એટેચ કરાયા હોવાનું જણાવાયું છે પણ તેમની કામગીરી અંગે કોઈ સ્પષ્ટતા નથી. આઈપીએસ અધિકારીઓની નિમણૂકના ઓર્ડર ગૃહ મંત્રાલય દ્વારા કરાતા હોય છે. આ પ્રકારના સત્તાવાર ઓર્ડર ક્યારે થશે એ સ્પષ્ટ નથી.
કેમ સત્તાવાર ઓર્ડર શક્ય નથી
સૂત્રોનું કહેવું છે કે, વિધાનસભા સત્ર ચાલતુ હોય સત્તાવાર ઓર્ડર અત્યારે થવા શક્ય નથી. ગૃહ વિભાગ આગામી ટૂંક સમયમાં સત્તાવાર ઓર્ડર કરવાના મૂડમાં પણ નથી એ જોતાં અધિકારીઓએ હજુ રાહ જોવી પડશે.
અધિકારીઓના પગાર કેમ અટવાયા
ગૃહ વિભાગના સૂત્રોનું કહેવું છે કે, વેઈટિંગ ફોર પોસ્ટિંગના કારણે આ અધિકારીઓના પગાર અટવાયા છે પણ એ અંગે કોઈ નિર્ણય નથી લેવાયો. હવે જેમને અટેચમાં રહીને કામગીરીનો આદેશ થયો છે તેમના પગાર ચાલુ થઈ શકે છે પણ ડીજી શમશેરસિંઘ સહિત અન્ય પાંચ અધિકારીએ પગાર માટે રાહ જોવી પડશે. વેઈટિંગમાં બેઠેલા અધિકારીઓએ સરકારમાં પગાર મુદ્દે વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે પણ રહસ્યમય કારણોસર સરકાર કોઈ નિર્ણય નથી લેતી.