ગાંધીનગર : ગુજરાત સરકારે ભારત સરકારમાં અસરકારક રજૂઆત કરીને માછીમારી બોટના ડીઝલના ભાવ વધારા અંગે મહત્વનો ઉકેલ લાવ્યા છે. ગુજરાત સરકારના મત્સ્ય સંઘ - GFCCA દ્વારા માછીમારોને ડિસ્કાઉન્ટ ભાવે ડીઝલ મળી રહે તે માટે ભારત પેટ્રોલિયમ (BPCL)સાથે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે, તાજેતરમાં ભારત પેટ્રોલિયમ દ્વારા માછીમારો માટેના ડીઝલના ભાવમાં લિટર દીઠ રૂ. 22.43 નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને સરકારે કેન્દ્ર સરકારને રજૂઆત કરીને પરત ખેંચ્યો છે.
રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને આ અંગે હસ્તક્ષેપ કરવા રજૂઆત કરી હતી
આ ગંભીર બાબતને ધ્યાને લઈ મંત્રીઓ, ધારાસભ્યઓ, સ્થાનિક આગેવાનો અને વિવિધ માછીમારી સંસ્થાઓ દ્વારા રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. વિષયની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને આ અંગે હસ્તક્ષેપ કરવા રજૂઆત કરી હતી. જેમાં જણાવાયું હતું કે જે રીતે રાજ્ય માર્ગ પરિવહન નિગમને ભાવ વધારામાંથી મુક્તિ આપવામાં આવી છે, તે જ રીતે મત્સ્યોદ્યોગ ક્ષેત્રને પણ 'સ્પેશિયલ એક્સેપ્શન' ગણીને રાહત આપવી જોઈએ. માછીમારોને 'કન્ઝ્યુમર સેગમેન્ટ'ને બદલે રિટેલ ગ્રાહકોની સમકક્ષ ગણવા આગ્રહ કર્યો હતો.
માછીમારોને હવે અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ પ્રાપ્ત થશે
કેન્દ્ર સરકારે ગુજરાતના માછીમારોની આ વાજબી રજૂઆતને સ્વીકારી છે. જેના પરિણામે, કેન્દ્ર સરકારે ભારત પેટ્રોલિયમને માછીમારોની બોટમાં વપરાતા ડીઝલના ભાવમાં કરાયેલો રૂ. 22.43 નો વધારો પાછો ખેંચવા સ્પષ્ટ સૂચના આપી છે. જેથી રાજ્યના માછીમારોને હવે અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ પ્રાપ્ત થશે.
રાજ્ય સરકાર હંમેશા માછીમારોના કલ્યાણ માટે કટિબદ્ધ
આ સફળ રજૂઆત અને ત્વરિત નિર્ણય બદલ મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ પીએમ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે, રાજ્ય સરકાર હંમેશા માછીમારોના કલ્યાણ માટે કટિબદ્ધ છે અને આગળ પણ રહેશે.