ગાંધીનગર: ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આજે સોનીપુર ખાતે કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં રૂ. 340 કરોડના 84 જેટલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રેલવે અન્ડરબ્રિજના કાર્યોનું પણ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું
આ કાર્યક્રમોમાં સરકારી વિભાગો સાથે ખાનગી સંસ્થાઓના CSR ફંડના સહયોગથી ગુડા (GUDA), પંચાયત હસ્તકના તથા માર્ગ-મકાન વિભાગના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તદુપરાંત, રેલવે હસ્તકના અન્ડરબ્રિજનાં કાર્યોનું પણ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું.
છેલ્લાં 10 દિવસમાં અંદાજે રૂ. 1200 કરોડનાં વિવિધ વિકાસલક્ષી કામો
આ પ્રસંગે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રાજ્યના વિકાસનો શ્રેય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારને આપતાં કહ્યું કે, ગાંધીનગર સંસદીય મતવિસ્તારને દેશનો સૌથી વિકસિત વિસ્તાર બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે વિકાસ કાર્યોની વણઝાર શરૂ થઈ ચૂકી છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આજે રૂ. 340 કરોડનાં કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ છેલ્લાં 10 દિવસમાં અંદાજે રૂ. 1200 કરોડનાં વિવિધ વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગ ગૃહોના સીએસઆર (CSR) ફંડની સહાયથી ગામડાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
आज गांधीनगर लोकसभा के विभिन्न क्षेत्रों में तालाबों का शिलान्यास और लोकार्पण किया।
— Amit Shah (@AmitShah) May 28, 2026
મોદી સરકારના જળ અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પને આગળ ધપાવતા આજે ગાંધીનગરના વડસર ગામમાં તળાવનું લોકાર્પણ, ખાત્રજ ગામમાં તળાવ સૌંદર્યીકરણનો શિલાન્યાસ અને સોનીપુર ગામમાં તળાવનું ખાતમુહૂર્ત કર્યું. આ… pic.twitter.com/Zv1V7SYPw8
શુદ્ધ પાણીની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી
ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, માત્ર નાણાકીય ભંડોળ જ મહત્વનું નથી, પરંતુ દરેક ગામડું આત્મનિર્ભર બને અને તમામ આવશ્યક સુવિધાઓથી સજ્જ થાય તે સરકારની પ્રાથમિકતા છે. દરેક નાગરિક સન્માનપૂર્વકનું જીવન જીવે તે માટે ગામડાઓમાં ઉત્તમ શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
ગ્રામીણ પુસ્તકાલયોની સ્થાપના કરવામાં આવી
આ ઉપરાંત યુવાનોમાં વાંચનની ટેવ કેળવાય તે માટે ગ્રામીણ પુસ્તકાલયોની સ્થાપના કરવામાં આવી છે, જેને ગાંધીનગરની લાઇબ્રેરી સાથે સાંકળવામાં આવશે. એટલું જ નહીં, વર્ષ 2029 સુધીમાં ગાંધીનગરના દરેક ગામમાં એક પુસ્તકાલય, બગીચો અને સુંદર મનોરંજન સ્થળો ઉપલબ્ધ થાય તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.