(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શ્રાવણ માસમાં ઘરમાં બેસીને પત્તા રમતા લોકો માટે ગુજરાત હાઈ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો નફો કમાવવાના કોઈ ઉદ્દેશ વિના માત્ર મનોરંજન ખાતર ઘરમાં પત્તાની રમત રમાતી હોય તો એ 'ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ, 1887' હેઠળ ગુનો બનતો નથી.
આ અવલોકન સાથે હાઈ કોર્ટે અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી જુગાર અંગેની એફ.આઈ.આર. અને તેના સંબંધિત તમામ ફોજદારી કાર્યવાહીઓને રદ કરવાનો હુકમ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી સ્થળનો માલિક રમત રમાડવા માટે કોઈ ચાર્જ વસૂલતો ન હોય કે તેમાંથી કોઈ આર્થિક લાભ નહીં મેળવતો હોય, ત્યાં સુધી કોઈના પણ ખાનગી ઘરને કાયદાની ભાષામાં જુગારધામ કહી શકાય નહીં.
આ ચુકાદાના આધાર રૂપ બનેલા વર્ષ 2021ના એક કેસની વિગતો જોઈએ તો, અમદાવાદના એક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પાંચ વ્યક્તિઓ ડાઇનિંગ ટેબલ પર પત્તા અને અલગ-અલગ રંગના કોઈન્સ સાથે મળી આવતા પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.
જોકે, અરજદારોના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે પોલીસ પાસે એવો કોઈ જ પુરાવો નહોતો જે સાબિત કરી શકે કે આ ઘરમાં વ્યવસાયિક ધોરણે જુગાર રમાડવામાં આવતો હતો. હાઈ કોર્ટે પણ નોંધ્યું કે એફ.આઈ.આર.માં ક્યાંય 'જુગારખાના' શબ્દનો ઉલ્લેખ નહોતો અને માત્ર ખિસ્સામાંથી પૈસા કે પત્તા-કોઈન્સ મળવાથી કોઈ સામાન્ય ઘર જુગારનો અડ્ડો બની જતું નથી. એટલું જ નહીં, જો જુગારધામ જ સાબિત ન થાય, તો જુગાર રમવાનો ગુનો પણ બની શકે નહીં.
અગાઉ વર્ષ 2018માં પણ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં બનેલી આવી જ એક ઘટનામાં હાઈ કોર્ટે પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ પી. એમ. રાવલની કોર્ટે અવલોકન કર્યું હતું કે માત્ર બાતમી મળ્યાની 23 મિનિટમાં જ ઉતાવળે સર્ચ વોરન્ટ મેળવી લેવું એ દર્શાવે છે કે સક્ષમ અધિકારીએ પૂરતી તપાસ કે મગજનો ઉપયોગ કર્યા વિના જ વોરન્ટ ઈશ્યૂ કરી દીધું હતું.
આ કેસમાં પણ પાંચ લોકો પત્તા રમતા ઝડપાયા હતા, પરંતુ નફાના તત્ત્વનો અભાવ હોવાથી કોર્ટે તેને ગુનો માનવાનો ઇનકાર કર્યો હતો. ટૂંકમાં, હાઈ કોર્ટના આ ચુકાદાઓ સ્પષ્ટ કરે છે કે કોઈ પણ આર્થિક ફાયદા કે વ્યવસાયિક હેતુ વગર પોતાના ખાનગી ઘરમાં માત્ર મનોરંજન માટે રમાતી પત્તાની રમતને પોલીસ જુગાર ગણીને કાર્યવાહી કરી શકે નહીં. એટલે આજથી શ્રાવણ મહિનો બેસી ગયો છે, ત્યારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં પત્તા રમનારા લોકો ચોક્કસ પત્તા રમી શકશે.