Fri Sep 04 2026

Logo

રાજકોટમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર; અમદાવાદ સહિત 11 જિલ્લામાં 'હીટવેવ'ની આગાહી

2026-03-09 09:32:00
Author: Devayat Khatana
રાજકોટમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર; અમદાવાદ સહિત 11 જિલ્લામાં 'હીટવેવ'ની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં માર્ચના પ્રારંભે જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ક્રમશઃ વધારો થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે રાજ્યના 11 જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના અનેક જિલ્લામાં આકરી ગરમી પડવાની આગાહી કરવામાં અવિક છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર,  બોટાદ, વડોદરા અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 

છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટમાં સૌથી વધુ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, ડીસામાં 39.6 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં  39.4 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 39.4 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 39.4 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.  સુરતમાં 39.1 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 38 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 37.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, નલિયામાં 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી પણ આપવામાં આવી છે. ખાસ કરીને 9 અને 10 માર્ચના રોજ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા અને સુરત જેવા જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં પણ ગંભીર ગરમી પડવાની સંભાવના છે. અમદાવાદમાં 9 માર્ચ સુધી આકાશ ચોખ્ખું રહેશે અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ગરમીની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મુશ્કેલી વધશે. 9 થી 11 માર્ચ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા હવામાનને કારણે અકળામણ અનુભવાશે.