Sat Aug 29 2026

Logo

ગુજરાતમાં ઉનાળાનો આકરો પ્રારંભ: આગામી 4 દિવસ અનેક જિલ્લાઓમાં 'હીટ વેવ'ની આગાહી

2026-03-06 19:21:06
Author: Devayat Khatana
ગુજરાતમાં ઉનાળાનો આકરો પ્રારંભ: આગામી 4 દિવસ અનેક જિલ્લાઓમાં 'હીટ વેવ'ની આગાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
ગુજરાતમાં ફાગણ મહિને જ ચૈત્રનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં ઉનાળાના આરંભે જ રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો 35 ડિગ્રીને વટાવી ચૂક્યો છે. ત્યારે રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી આકરી ગરમી પાડવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં હીટ વેવની આગાહી કરી છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ વધારો થવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં સૌથી વધુ 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 37.9, અમદાવાદ અને અમરેલીમાં 37.7, ડીસામાં 37.3, ગાંધીનગર અને વડોદરામાં 37.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.   

આગામી બે દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા હવામાનને કારણે અકળામણ અનુભવાય તેવી શક્યતા છે. અમદાવાદમાં આ સમયગાળા દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ભાવનગરમાં આગામી 5 દિવસ સુધી હીટ વેવની સ્થિતિ યથાવત રહી શકે છે. આ ઉપરાંત, 8 માર્ચથી 10 માર્ચ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, વેરાવળ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હીટ વેવની આગાહી કરવામાં આવી છે.