(આપણા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વૈશ્વિક પરિસ્થિતિ અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી 'ઈંધણ બચત' અને 'કરકસર'ની અપીલ અંગે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્ય પ્રધાનથી લઈને પોલીસ વડા અને માહિતી આયોગ સુધીના તમામ વિભાગોએ ઈંધણના વપરાશમાં ધરખમ ઘટાડો કરવા માટે ઐતિહાસિક નિર્ણયો લીધા છે.
CM ભૂપેન્દ્ર પટેલે સુરક્ષા પ્રોટોકોલમાં કાપ મૂક્યો
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમરેલીના રાજુલા ખાતે એક કાર્યક્રમમાં માત્ર 5 ગાડીઓના કાફલા સાથે પહોંચીને સુરક્ષા પ્રોટોકોલમાં કાપ મૂક્યો હતો. આ તરફ આરોગ્ય રાજ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ રાષ્ટ્રહિતમાં પોતાની સુરક્ષામાં રહેલી 'પાયલોટિંગ કાર'નો ઉપયોગ સદંતર બંધ કરવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. જ્યારે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વડા પ્રધાનની એક વર્ષ વિદેશ પ્રવાસ ટાળવાની અપીલને માન આપી પોતાનો આગામી અમેરિકા પ્રવાસ રદ કર્યો છે.
કોન્ફરન્સ અને મીટિંગો વીડિયો કોન્ફરન્સથી જ થશે
રાજ્ય પોલીસ વડા ડૉ. કેએલએન રાવે ઈંધણ બચાવવા માટે કડક સૂચનાઓ જારી કરી છે. તમામ ક્રાઈમ કોન્ફરન્સ અને મીટિંગો ફરજિયાત વીડિયો કોન્ફરન્સથી જ થશે. પાયલોટિંગ અને એસ્કોર્ટ સુવિધા માત્ર નિયત પાત્રતા ધરાવતા મહાનુભાવોને જ મળશે. કોર્ટની કામગીરી અને જુબાની માટે રૂબરૂ જવાને બદલે ઓનલાઈન માધ્યમનો ઉપયોગ કરાશે. બંદોબસ્ત માટે સ્ટાફને લાવવા-લઈ જવા એક જ વાહન કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા જણાવાયું છે. તપાસ અને સુપરવિઝન હેઠળની ચર્ચાઓ માટે પણ તપાસ અધિકારી અને સુપરવિઝન અધિકારી વચ્ચેની બેઠકો ટેલિફોનિક માધ્યમથી જ પૂર્ણ કરવા સૂચના અપાઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલ અન્વયે ગુજરાત માહિતી આયોગના રાજ્ય માહિતી કમિશનરો દ્વારા કાર પુલિંગનો અમલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર પુલિંગના પરિણામે આયોગ દ્વારા થતા કાર ફ્યુઅલના વપરાશમાં 35 ટકા કે તેથી વધુ ગણનાપાત્ર ઘટાડો કરવાનો આયોગ દ્વારા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.