ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ અદાણી પાવર અને એસ્સાર પાવર સાથે ગુજરાત સરકારના પાવર પરચેઝ એગ્રીમેન્ટ બાબતે સવાલ પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, તા. 31-12-2025ની સ્થિતિએ રાજ્ય સરકારના વીજળી ખરીદવાના અદાણી પાવર લિ. અને એસ્સાર પાવર ગુજરાત લિ. સાથે થયેલા પરચેઝ એગ્રીમેન્ટની વાત સાચી છે? જો હા તો ઉક્ત એગ્રીમેન્ટ ક્યારે કેટલા વર્ષ માટે અને કયા ભાવે કરવામાં આવ્યા તેમજ છેલ્લા બે વર્ષમાં કેટલો ભાવવધારો, કેટલા સમય માટે આપવામાં આવ્યો અને છેલ્લા બે વર્ષમાં સરકારે અદાણી પાવર પાસેથી કેટલા ખર્ચેથી કેટલી વીજળી ખરીદી?
યુનિટનો શું છે ભાવ
જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, રાજ્ય સરકારના વીજળી ખરીદવાના અદાણી પાવર લિ. અને એસ્સાર પાવર ગુજરાત લિ. સાથે થયેલા પરચેઝ એગ્રીમેન્ટની વાત સાચી છે. અદાણી પાવર લિ. પાસેથી 06-02-2007 (બીડ-1), 02-02-2007 (બીડ-2) 25 વર્ષના સમયગાળાનો અગ્રીમેન્ટ થયો છે. જે પૈકી બીડ-1 માટે 2.89 રૂપિયા પ્રતિ યુનિટ અને બીડ-2 માટે 2.35 પૈસા પ્રતિ યુનિટ નક્કી થયા છે. જ્યારે એસ્સાર પાવર લિ સાથે 26-02-2007થી 25 વર્ષ માટે 2.40 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે પાવર પરચેઝ એગ્રીમેન્ટ થયા છે.
આ ઉપરાંત સરકારે જણાવ્યું, વીજ કરાર મુજબ ઉલ્લેખિત પ્રતિ યુનિટનો દર, કરાર અવધિ દરમિયાનનો લેવલાઈઝ્ડ દર છે જે વીજ ઉત્પાદન પ્રોજેક્ટના સમગ્ર જીવનકાળ દરમિયાનનો સરેરાશ દર એટલેકે નેટ પ્રેજન્ટ વેલ્યુ (Net present value)દર્શાવે છે. આથી દર વર્ષનો દર (ટેરીફ) લેવલાઈઝડ ટેરીફ કરતાં અલગ હોય છે તથા કરારમાં કાયદા માં થતાં ફેરફાર (change In law), ફોરેન એક્સચેંજ રેટ વેરીએશન (FERV) ની જોગવાઈઓના કારણે પણ બદલાતો હોય છે.
વર્ષ 2010 માં ઇન્ડોનેશિયા સરકાર દ્વારા કોલસાના નિકાસભાવને આંતરરાષ્ટ્રીય ભાવ સાથે સંલગ્ન કરવા માટે કાયદાકીય ફેરફાર કરવામાં આવેલ. જે અનુસાર ઇન્ડોનેશિયા સરકાર દ્વારા જે તે મહિના(માર્ચ 2025થી પખવાડીઆ માટે) માટે કોલસાના ભાવ નિર્ધારિત કરતી HBA index જાહેર કરવામાં આવે છે. વર્ષ 2017 દરમિયાન ઉપરોક્ત વીજમથક દ્વારા કોલસાના ભાવમાં વધારાના કારણે વીજઉત્પાદન બંધ કરી દેવામાં આવેલ અને ઉત્પન્ન થતી એનર્જીના ચાર્જમાં આયાતી કોલસાના ભાવને અનુરૂપ વધારાની માગણી કરવામાં આવી હતી.
આયાતી કોલસા આધારિત વીજપ્રોજેક્ટના મુદાઓના નિરાકરણ માટે કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ રાજ્ય સરકાર દ્વારા આર. કે. અગ્રવાલ (સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ)ની અધ્યક્ષતા હેઠળની રચાયેલી હાઈપાવર કમિટીની ભલામણને રાજ્ય સરકાર દ્વારા તા. 01.12.2018 ના ઠરાવ થકી થોડા સુધારા સાથે સ્વીકારવામાં આવેલ. તે મુજબ 05.12.2018 ના રોજ અદાણી પાવર લિ. સાથે બંને વીજકરાર માટે સપ્લીમેન્ટલ કરાર કરવામાં આવ્યા હતા. જેને કેન્દ્રિય વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, બદલાયેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા, વીજદરની ગણતરીમાં લેવામાં આવતો કોલસો મેળવવાનો ખર્ચ વ્યાજબી અને પારદશર્ક રીતે પાસ થ્રુ (pass-through) થઈ શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા તા.25-02-2022ના ઠરાવ થકી સપ્લીમેન્ટરી કરારોમાં જરૂરી સુધારા મંજૂર કરવામાં આવ્યા છે. જે મુજબ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. દ્વારા તા.30-03-2022ના રોજ રીવાઈઝડ સપ્લીમેન્ટલ કરાર કરવામાં આવ્યા હતા. જે અંતગર્ત હાલમાં એનર્જી ચાર્જની ચુકવણી પ્રોવિઝનલ દરે કરવામાં આવે છે.
એસ્સાર પાવર સાથે, ગુજરાત સરકારના ઠરાવ તારીખ 01-12-2018, 05-06-2021 અને ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના પરિપત્ર તારીખ 10-10-2023 મુજબ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. દ્વારા તારીખ 05-01-2024 ના રોજ રિવાઈઝડ સપ્લીમેન્ટલ કરાર કરવામાં આવ્યો છે. જેને ગુજરાત વીજ નિયમન આયોગ (GERC) દ્વારા તારીખ 09-12-2024 ના રોજ મંજૂર કરવામાં આવ્યો છે. જે અંતગર્ત હાલમાં એનર્જી ચાર્જની ચુકવણી પ્રોવિઝનલ દરે કરવામાં આવે છે. ઉક્ત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અદાણી પાવર તેમજ એસ્સાર પાવરને કરારની શરતો સિવાય નિશ્ચિત સમયગાળા માટે અન્ય કોઈ ભાવ વધારો આપવામાં આવ્યો નથી. આમ, છેલ્લા બે વર્ષ માં અદાણી પાવર તેમજ એસ્સાર પાવરને કરારની શરતો મુજબ જ ભાવ વધારો આપવામાં આવ્યો છે.
બે વર્ષમાં અદાણી પાસેથી કેટલી વીજળી ખરીદી
આ ઉપરાંત સરકારે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં જીયુવીએનએલ દ્વારા અદાણી પાવર પાસેથી 2024માં રૂ. 8094 કરોડના ખર્ચે 15,492 મિલિયન યુનિટ ખરીદવામાં આવ્યા હતા. જ્યારે 2025 (પ્રોવિઝનલ)માં રૂ. 7300 કરોડના ખર્ચે 13,223 મિલિયન યુનિટ ખરીદવામાં આવ્યા હતા.