Thu Sep 10 2026

Logo

એર ઈન્ડિયા ક્રેશમાં ડેમેજ થયેલી મેડિકલ કોલેજની હોસ્ટેલ ફરી બંધાશે...

2026-03-18 21:11:45
Author: Pooja Shah
એર ઈન્ડિયા ક્રેશમાં ડેમેજ થયેલી મેડિકલ કોલેજની હોસ્ટેલ ફરી બંધાશે...

અમદાવાદઃ એર ઈન્ડિયાના એઆઈ-171 ફ્લાઈટના ક્રેશની ઘટનાના નવ મહિના બાદ ગુજરાત સરકારે નવી હૉસ્ટેલ તે જ જગ્યાએ બનાવવાનો નિર્ણય લીધો છે. 12 જૂન, 2025 ના રોજ બનેલી ગોઝારી દુર્ઘટના પછી ખાલી કરાયેલા મેઘાણીનગર વિસ્તારમાં આવેલી હાલની ઇમારતને તોડી પાડવામાં આવશે અને રૂ. 103 કરોડના અંદાજિત ખર્ચે એક નવી મોટી હોસ્ટેલ ઊભી કરવામાં આવશે, તેમ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. 

અમદાવાદ શહેરની બી જે મેડિકલ કૉલેજની આ હૉસ્ટેલ મેઘાણીનગર વિસ્તારમાં આવેલી છે. એરક્રેશ બાદ હૉસ્ટેલને ખાલી કરાવી દેવામાં આવી હતી. હવે આ ડેમેજ થયેલી ઈમારતને પાડી નવું, મોટું હૉસ્ટેલ સંકુલ બનાવવામાં આવશે, તેમ અધિકારીએ ઉમેર્યું હતુ. ટાટા ગ્રુપે આ હૉસ્ટેલના પુનઃનિર્માણ માટે રૂ. 53 કરોડ આપ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. 

સરકારે હોસ્ટેલનું પુનઃનિર્માણ કરવાનો નિર્ણય લીધો છે. ટાટા (ગ્રુપ) એ અમને ખાતરી આપી હતી કે તેઓ નુકસાનની ભરપાઈ કરશે, અને તેમણે વચન પ્રમાણે ફંડ પહેલેથી જ જમા કરાવી દીધું છે, તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોએ બુધવારે જણાવ્યું હતું.

આ પુનર્નિર્માણ પાછળ ૧૦૩ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આરોગ્ય વિભાગના પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના ચીફ એન્જિનિયર પી એમ ચૌધરીએ જણાવ્યું હતું કે ટાટા ગ્રુપે ૫૩ કરોડ રૂપિયા આપ્યા છે જ્યારે રાજ્યએ ૫૦ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે.

તેમણે કહ્યું કે ટૂંક સમયમાં ટેન્ડર મંગાવવામાં આવશે અને બાંધકામ આગામી ત્રણ મહિનામાં શરૂ થશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. ચૌધરીએ જણાવ્યું હતું કે હાલનું સંકુલ, જેમાં લગભગ 100 વિદ્યાર્થીઓ રહી શકે છે, તેને તોડી પાડવામાં આવશે અને નવી હૉસ્ટેલમાં 292 વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતા હશે.