અમદાવાદઃ રાજ્યમાં વિવિધ ઉદ્યોગો ગેસ પુરવઠાની અછત અનુભવી રહ્યા છે અને અછતને લીધે પ્રોડક્શન પર અસર થઈ છે ત્યારે બીજી બાજુ રાજ્યમાં ઘેરલું ગેસ સિલિન્ડરની (એલએનજી)ની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકારે એક કમિટી બનાવી છે. ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં આ કમિટી ઘેરલું ગેસનો પૂરતો પુરવઠો મળી રહે તેની તકેદારી રાખશે.
રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સમિતિ કેન્દ્ર સાથે સતત સંપર્કમાં રહેશે અને પૂરતા ગેસ પૂરવઠા માટે સતત સમીક્ષા કરશે. તેમણે કહ્યું હતું કે રાજ્ય પહેલાથી જ ઇંધણ પુરવઠાને અસર કરતી વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે.
અગાઉ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે, રાજ્ય સરકારે કેન્દ્ર સાથે પરામર્શ કરીને, ઉદ્યોગોને ગેસ સપ્લાયમાં લગભગ 50% અને ખાતર અને દૂધ પ્રક્રિયા એકમોને લગભગ 40% ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે જેથી સ્થાનિક ગ્રાહકોને અછતનો સામનો ન કરવો પડે.
વાઘાણીએ સ્પષ્ટતા કરી હતી કે ઘરો માટે રસોઈ ગેસ સિલિન્ડરના પુરવઠા પર કોઈ અસર થશે નહીં. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કર્મશિયલ ગેસ સિલિન્ડરની જરૂરિયાતના લગભગ 80% પૂરા પાડવા માટે કામ કરી રહી છે. કેન્દ્રએ મુખ્યત્વે મધ્ય પૂર્વીય દેશો પર આધાર રાખવાને બદલે પશ્ચિમ આફ્રિકા અને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી ગેસ કાર્ગો માટે અગાઉથી ઓર્ડર આપવાનું પણ શરૂ કરી દીધું છે, અને નવો પુરવઠો ટૂંક સમયમાં ભારતમાં પહોંચવાની અપેક્ષા છે.
તેમણે નાગરિકોને ગેસની અછત અંગેની અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી હતી અને સંગ્રહખોરી ન કરવાની સલાહ આપી હતી.