Fri Jun 19 2026

Logo

ગુજરાત સરકારના વહીવટી માળખામાં ફેરફાર, 68 GAS કેડર અધિકારીઓની બદલી અને બઢતી

2026-06-02 16:49:00
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર : ગુજરાત સરકારે વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે.જેમાં સામાન્ય વહીવટી વિભાગે  જીએએસ કેડરના 68 અધિકારીની બદલી અને બઢતીના આદેશ કર્યા છે. જેમાં  16 વર્ગ-1 અધિકારીઓની બદલી અને 52 જુનિયર સ્કેલ અધિકારીઓને સિનિયર સ્કેલમાં બઢતી આપવામાં આવી છે. આ બદલી અને બઢતીના આદેશમાં  મહેસૂલ, ગ્રામીણ વિકાસ, શહેરી વહીવટ, પરિવહન, નાગરિક પુરવઠા, જમીન રેકોર્ડ, આદિવાસી વિકાસ અને મ્યુનિસિપલ વહીવટ જેવા મુખ્ય વિભાગોમાં નિમણૂકોનો સમાવેશ થાય છે.

જે.કે. જેગોડા ભૂસ્તરશાસ્ત્ર કમિશનરેટમાં અધિક નિયામક તરીકે નિયુક્ત

આ ફેરફાર પર નજર કરીએ તો  કચ્છના નાગરિક સંરક્ષણના નાયબ નિયંત્રક ડૉ. બી.એસ. પ્રજાપતિને વડોદરા ખાતે અધિક કલેક્ટર (નર્મદા) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહેસાણાના નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગોડાને ગાંધીનગરના ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ કમિશનરેટમાં અધિક નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે નવસારીના નિવાસી અધિક કલેક્ટર વાય.બી. ઝાલાને ગાંધીનગરના નોંધણીના અધિક મહાનિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ડી.એન. રાંક  મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક કલેક્ટર તરીકે નિયુક્ત 

આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયના અધિક કલેક્ટર એમ.એમ. જોશીને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ  ગાંધીનગરના મુખ્ય વહીવટી અધિકારી તરીકે બદલી કરી છે. તેમજ  મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયમાં અધિક કલેક્ટર ડી.એન. રાંકને મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ડીઆરડીએ નવસારીના ડિરેક્ટર ડી.એમ. પંડ્યાને ગુજરાત સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સોસાયટી (જીએસઆઈડીએસ) ખાતે અધિક કલેક્ટર (યુઆઈડી) તરીકે બદલી કરવામાં આવી છે. આણંદના નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

એમ.વી. દેસાઈ દ્વારકાના નિવાસી અધિક કલેક્ટર તરીકે નિયુક્ત 

જ્યારે 52 GAS વર્ગ-1 (જુનિયર સ્કેલ) અધિકારીઓને સિનિયર સ્કેલ પર બઢતી આપવામાં આવી છે અને રાજ્યભરમાં વિવિધ હોદ્દાઓ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.જેમાં  વી.કે. સાંબડને બનાસકાંઠાના અધિક કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે એમ.વી. દેસાઈને દેવભૂમિ દ્વારકાના નિવાસી અધિક કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વી.ડી. સાકરિયાને સુરેન્દ્રનગરના નિવાસી અધિક કલેક્ટર તરીકે અને એચ.એમ. ઝંકતને ડાંગ-આહવાના નિવાસી અધિક કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલા પડતર કેસના પરિણામને આધિન 

આ ઉપરાંત રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે બઢતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ચાલી રહેલા અનેક પડતર કેસોના અંતિમ પરિણામને આધીન રહેશે. જેમાં GAS કેડર સંબંધિત સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન્સ (SCA)નો પણ સમાવેશ થાય છે. તેમજ આ  બદલીઓ અને બઢતી તાત્કાલિક અસરથી અમલમાં આવશે.