Thu Apr 16 2026

Logo

અફવાઓથી દૂર રહો! રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPGની કોઈ અછત નથી: સરકારે આપી ખાતરી

2026-04-07 10:35:00
Author: Devayat khatana
Article Image

અમદાવાદ: પશ્ચિમ એશિયામાં વણસેલી સ્થિતિની અસર ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં દેખાઈ રહી છે. ત્યારે મિડલ ઈસ્ટમાં પ્રવર્તી રહેલી અસ્થિર પરિસ્થિતિના પગલે કેન્દ્ર અને ગુજરાત સરકારે અનેક પગલાં ભર્યા છે. સરકારે જણાવ્યું છે કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને પેટ્રોલિયમ પેદાશોનો પુરવઠો નાગરિકો સુધી અવરોધ વિના પહોંચતો રહે તે માટે સરકાર સતત દેખરેખ રાખી રહી છે. આ અંગે અમદાવાદમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB) ખાતે એક મહત્વની પ્રેસ બ્રિફિંગ યોજાઈ હતી, જેમાં IOCના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંજીબ બેહરા, ખાદ્ય અને પુરવઠા વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર ચેતન ગાંધી અને કૃષિ વિભાગના એડિશનલ ડાયરેક્ટર નીતિન શુક્લએ રાજ્યની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ હોવાની ખાતરી આપી હતી.
 

રાજ્યમાં ઈંધણ અને એલપીજીના પુરવઠા અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. 1 એપ્રિલ 2026ની સ્થિતિ મુજબ રાજ્યમાં કુલ 6688 પેટ્રોલ પંપ કાર્યરત છે અને પુરવઠાની કોઈ અછત નથી. માર્ચના અંતમાં અફવાઓને કારણે 'પેનિક બાયિંગ' જોવા મળ્યું હતું, પરંતુ હવે સ્થિતિ સામાન્ય છે. તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને શ્રમિકો માટે 5 કિલોના સિલિન્ડરની વ્યવસ્થામાં ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે, જ્યાં અત્યાર સુધી 54,000 થી વધુ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું હોવાની વિગતો આપી હતી. 


અધિકારીઓએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં રસોઈ અને પ્રકાશની વ્યવસ્થા માટે સરકારે કેરોસીનની વિશેષ ફાળવણી કરી છે. રાજ્યના દરેક તાલુકામાં એક નિયત પેટ્રોલ પંપ પરથી કેરોસીન વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થાઓને 25 લિટર સુધીનો જથ્થો આપવામાં આવશે. આ વ્યવસ્થાને પારદર્શક બનાવવા માટે NIC દ્વારા ખાસ ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. સંગ્રહખોરી અને કાળાબજાર રોકવા માટે અત્યાર સુધી 2451 દરોડા પાડીને કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

કૃષિ ક્ષેત્રે ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે આશ્વસ્ત કર્યા છે કે ખરીફ ઋતુ માટે રાજ્ય પાસે પૂરતો જથ્થો છે. હાલમાં 1.87 લાખ મેટ્રિક ટન યુરિયા સહિત DAP અને NPK ખાતરો વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે. મુખ્ય પ્રધાન અને મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બનેલી સમિતિઓ દ્વારા ખાતરના વિતરણ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. વિજિલન્સ ટીમો દ્વારા અત્યાર સુધી 6291 તપાસ હાથ ધરી 22 પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. લોકોને  અફવાઓથી દોરવાઈને બિનજરૂરી સંગ્રહ ન કરવા અને સરકારની સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અધિકારીઓએ અપીલ કરી હતી.