ગાંધીનગરઃ ગુજરાત સરકાર શ્રમયોગીઓના કલ્યાણ માટે સતત કાર્યરત છે. ગુજરાત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ એટલે કે બાંધકામ શ્રમયોગીઓ તથા અનુસૂચિત જાતિ સિવાયના શ્રમયોગીના મૃત્યુના દુઃખદ સમયે તેમના પરિવારને અંત્યેષ્ઠિ ક્રિયા માટે આર્થિક સહાયરૂપે 'મરણોત્તર ક્રિયા-અંત્યેષ્ઠિ સહાય યોજના' વર્ષ 2011થી શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ 2025-26માં સૌથી વધુ 7,145 વારસદારોને કુલ રૂપિયા 7.14 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. આમ, આ યોજના અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં કુલ 26,657 વારસદારોને રૂપિયા 13.73 કરોડથી વધુની સહાય આપીને શ્રમયોગીઓના પરિવારની દુ:ખદ ઘડીએ સરકાર તેમની પડખે ઊભી રહી છે.
ઈ-શ્રમ કાર્ડ ધારક શ્રમયોગીને મળે છે આ યોજનાનો લાભ
વધુમાં વાત કરવામાં આવે તો, ‘અંત્યેષ્ઠિ સહાય યોજના' અંતર્ગત મૃતક અસંગઠિત ક્ષેત્રના ઈ-શ્રમ કાર્ડ ધારક શ્રમયોગી હોવા જોઈએ. મૃતકના અવસાન સમયે તેની ઉંમર 16 થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વારસદારની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તાર માટે રૂપિયા 01.20 લાખ તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 01.50 લાખ સુધીની હોવી જોઈએ. આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય અગાઉ રૂપિયા 5 હજાર હતી, જે વધારીને હવે 10 હજાર રૂપિયા કરવામાં આવી છે.
આ યોજના માટે ફોર્મ અને ઠરાવની નકલ ક્યાંથી મળશે?
આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર યોજનાનું ફોર્મ અને ઠરાવની નકલ ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે. પાત્રતા ધરાવતા અસંગઠિત શ્રમયોગીના વારસદારે શ્રમયોગીના અવસાનની તારીખથી ત્રણ માસની સમય મર્યાદામાં જરૂરી બિડાણો સાથે 'પરિશિષ્ટ-૧' મુજબના નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. આ અરજી મદદનીશ સરકારી શ્રમ અધિકારી/સરકારી શ્રમ અધિકારી/મદદનીશ શ્રમ આયુક્ત અથવા નાયબ શ્રમ આયુક્તની કચેરી ખાતે આપવાની રહેશે.
સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય યોજના
નોંધનીય છે કે, આ યોજનાનો લાભ બાંધકામ શ્રમયોગીઓ/ઈ-નિર્માણ કાર્ડ ધારકો કે અનુસૂચિત જાતિના વ્યક્તિઓને મળવાપાત્ર થશે નહીં. અનુસૂચિત જાતિના શ્રમયોગીઓ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા "સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય યોજના" અમલમાં છે. જ્યારે ઈ-નિર્માણ કાર્ડ ધારકોને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજના હેઠળ લાભ મળશે, તેમ ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.