(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે ફૂડ સેફ્ટી વિભાગે લાલ આંખ કરી હતી અને રાજ્યભરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે કડક કાર્યવાહી હાથ ધરી હતી. આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, એપ્રિલ મહિના દરમિયાન રાજ્યભરના 4,193 થી વધુ એકમોની તપાસ કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન આશરે રૂ. 1.83 લાખની કિંમતનું 1,018 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું હતું, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ગંભીર ઉલ્લંઘન બદલ 18 એકમોને સીલ કરવામાં આવ્યા છે અને નિયમ ભંગ કરનારા એકમો પાસેથી રૂ. 2.84 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ અભિયાનમાં ખાસ કરીને ડેરી ઉત્પાદનો અને પનીરના નામે વેચાતા નકલી એનાલોગ પદાર્થો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સત્તાવાળાઓ દ્વારા બેદરકારી દાખવનાર 270 એકમોને નોટિસ પાઠવવામાં આવી હતી, જ્યારે 118 જેટલા શંકાસ્પદ નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. આરોગ્ય પ્રધાને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જાહેર આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે સરકાર 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી રહી છે અને આવા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.
ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા ઠંડા પીણાં અને ફળોના વિક્રેતાઓ પર પણ વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. 'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ' એકમો દ્વારા 1,576 સ્થળોએ શેરડીનો રસ, મેંગો જ્યુસ, તરબૂચ અને બરફ આધારિત ખાદ્ય પદાર્થોના કુલ 1,705 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે. આ ઉપરાંત, વેપારીઓ અને ગ્રાહકોને જાગૃત કરવા માટે 284 તાલીમ સત્રો અને 255 જાહેર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.