Tue Aug 25 2026

Logo

ગુજરાતમાં વરસાદ બન્યો જીવલેણ, પૂરમાં તણાઈ જવાથી 30 કરતા વધુનાં મોત

2026-07-25 16:02:10
Author: Pooja Shah
ગુજરાતમાં વરસાદ બન્યો જીવલેણ, પૂરમાં તણાઈ જવાથી 30 કરતા વધુનાં મોત

અમદાવાદઃ ગુજરાતનાં અમુક જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિએ તારાજી સર્જી છે. સુરતમાં આવેલા પૂરમાં પણ 40 કરતા વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો ત્યારે નવસારી અને વલસાડમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. બે દિવસથી વરસાદે લગભગ વિરામ લીધો છે ત્યારે હવે પાણીમાં તણાઈ ગયેલા મૃતદેહો મળી રહ્યા છે, જેણે વરસાદે સર્જેલા વિનાશને દર્શાવે છે. 

અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 31 જણના જીવ ગયા હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં નવસારીમાં 15, વલસાડમાં 7, ખેડામાં 4, સુરત અને અમરેલીમાં બે અને આણંદમાં એક જણનો સમાવેશ થાય છે. મોટાભાગના લોકો પાણીમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા છે. 


વરસાદ રોકાયા બાદ બચાવકાર્ય ઝડપી બન્યું હતું અને લોકોના જીવ બચાવવા અને તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડવાને પ્રાથમિકતા આપવામાં આવી હતી. બચાવ કરતી તમામ એજન્સીઓ દિવસરાત કામ કરી રહી છે અને પાણીગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને ખસેડવાનું કામ ચાલુ છે. 

મુખ્યત્વે નવસારી અને વલસાડમાંથી લગભગ 38,000નું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. મોટાભાગનાએ પોતાના સંબંધીઓના ઘરે આશરો લીધો હતો જ્યારે લગભગ 2000 જેટલાને શેલ્ટર હૉમ્સમાં ખસેડવામાં આવ્યા હતા. શનિવાર સવાર સુધીમાં લગભગ 60 જેટલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. 

જોકે બે દિવસનો વરસાદ જે તારાજી સર્જી ગયો છે તેમાંથી બહાર નીકળતા લોકોને ઘમો સમય લાગશે. ઘણા ઘરો-દુકાનોમાં સાત ફૂટ જેલા પાણી ભરાઈ ગયા હતા. લોકોની ઘરવખરી અને દુકાનોના સામાન બગડી ગયા હતા. તંત્ર હવે સફાઈ કામ અને સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે, જેથી રોગચાળો ન ફેલાય. 

વરસાદના પાણી જેમ ઓસરી રહ્યા છે તેમ નુકસાનના દૃશ્યો વધારે સામે આવી રહ્યા છે. બ્રિજ, રસ્તાઓ પ્લાસ્ટિક, પડેલા વૃક્ષો, તણાયેલી વસ્તુઓથી ભરાઈ ગયા છે. જનજીવન સામાન્ય કરવાનો મોટો પડકાર તંત્ર સામે છે, તેમ અધિકારીઓ જણાવે છે.