દાહોદ, ભચાઉ અને બોટાદમાં આંચકા આવતા લોકો ઘરની બહારની દોડ્યા
અમદાવાદઃ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ચાર કલાકમાં ત્રણ આંચકા અનુભવાતા લોકો ફફડી ઊઠ્યા હતા. રાહતની વાત એ છે કે, આ તમામ આંચકાઓની તીવ્રતા ખૂબ ઓછી હતી. આંચકાને કારણે કોઈ જાનમાલને નુકસાનના વાવડ નથી. મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લાથી આંચકાની શરૂઆત થઈ હતી. બપોરે 11.55 વાગ્યે દાહોદના લોકોએ આંચકો અનુભવ્યો હતો, જેની તીવ્રતા 2.5 હતી. આંચકાનું કેન્દ્ર દાહોદ શહેરથી 34 કિમી દૂર પશ્ચિમ દક્ષિણ દિશામાં હોવાનું જાણવા મળ્યું હતું.
તીવ્રતા ઓછી હતી એટલે મોટી રાહત
દાહોદમાં આવેલા આંચકાની તીવ્રતા ઓછી હતી એટલે દાહોદમાં રહેતા બધા લોકોને આંચકો અનુભવાયો નથી. જે વિસ્તારમાં આંચકો અનુભવાયો હતો એ વિસ્તારના લોકો ઘર-દુકાનની બહાર દોડી ગયા હતા. બીજો આંચકો કચ્છના ભચાઉમાં બપોરના 1.43 વાગ્યે અનુભવાયો હતો. જેની તીવ્રતા 3.4 હતી. આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉ શહેરથી 12 કિમી દૂર ઉત્તર પશ્ચિમમાં હતું. કચ્છ જિલ્લો ભૂકંપની મોટી માર સહન કરી ચૂક્યો છે. આ આંચકા એ ફરી એકવાર 26મી જાન્યુઆરી 2001ના દિવસે આવેલા ભૂકંપની યાદ તાજા કરાવી દીધી હતી. ભૂકંપની ઘટનાને લઈને કચ્છ જિલ્લાને આજે પણ સંવેદનશીલ માનવામાં આવે છે.
બોટાદની ધરા ધ્રુજી
બપોરના જ સમયે 3.08 વાગ્યે બોટાદ જિલ્લાની ધરા ધ્રુજી હતી. જેની તીવ્રતા 3.4 હતી. કચ્છમાં આવેલા આંચકાની પણ આટલી જ તીવ્રતા હતી. ભૂકંપનું કેન્દ્ર બોટાદ શહેરથી 28 કિમી દૂર દક્ષિણ પશ્ચિમમાં મળી આવ્યું હતું. તીવ્રતા ઓછી હતી એટલે મોટાભાગના લોકોને એની કોઈ પ્રકારે જાણ થઈ ન હતી. માત્ર કંપન્ન અનુભવાતા જ લોકો ઘર-દુકાનની બહાર દોડી ગયા હતા. ચાર કલાકમાં ત્રણ આંચકા જુદા જુદા જિલ્લાઓમાં આવતા વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું હતું.