Thu Jun 25 2026

Logo

ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશના પ્રથમ રાઉન્ડ બાદ એન્જિનયરિંગ કોલેજોમાં 50 ટકા બેઠકો ખાલી

2026-06-25 20:06:37
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેના પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો ગુજરાતભરમાં ઉપલબ્ધ કુલ 61,316 બેઠકોમાંથી 33,993 બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. આ રાઉન્ડમાં માત્ર 55.45 ટકા બેઠકો જ ભરાઈ હતી, જ્યારે 27,323 બેઠકો ખાલી રહી હતી.  સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોને આ વર્ષે પણ નબળો પ્રતિસાદ મળ્યો હતો. સેલ્ફ-ફાઇનાન્સ સંસ્થાઓની 49,830 બેઠકોમાંથી માત્ર 22,507 બેઠકો જ ભરાઈ હતી.

આંકડા દર્શાવે છે કે ખાનગી કોલેજોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ચિંતાજનક હતી. 29 કોલેજોમાં 10 ટકા કરતાં પણ ઓછી બેઠકો ભરાઈ હતી. 19 કોલેજોમાં 10 થી 25 ટકા બેઠકો ભરાઈ હતી. 15 કોલેજોમાં 25 થી 50 ટકા બેઠકો ભરાઈ હતી. 18 કોલેજોમાં 50 થી 75 ટકા બેઠકો ભરાઈ હતી, જ્યારે એક કોલેજમાં એક પણ વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો નહોતો. 45 સંસ્થાઓ 100 ટકા બેઠકો ભરવામાં સફળ રહી હતી, જ્યારે 14 સંસ્થાઓમાં 75 ટકાથી વધુ બેઠકો ભરાઈ હતી.

વિદ્યાર્થીઓમાં લોકપ્રિય ગણાતી એન્જિનિયરિંગ બ્રાન્ચમાં પણ મોટી સંખ્યામાં બેઠકો ખાલી જોવા મળી હતી. કોમ્પ્યુટર સાયન્સની 30,887 બેઠકમાંથી    15,283 બેઠક ભરાઈ હતી. જ્યારે મિકેનિકલમાં 7,851 બેઠકમાંથી 3,864 બેઠક ભરાઈ હતી. સિવિલ એન્જિનિયરિંગની 6,343 બેઠકમાંથી    3,356 બેઠક ભરાઈ હતી. જ્યારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની 4,745 બેઠકમાંથી 2,427 બેઠક ભરાઈ હતી.