Fri Sep 11 2026

Logo

'અમિત શાહ રાજીનામું આપે, વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરનારાઓને સજા કરો': અમદાવાદમાં કૉંગ્રેસની રેલી

2026-08-03 13:41:00
Author: Mayur Patel
'અમિત શાહ રાજીનામું આપે, વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરનારાઓને સજા કરો': અમદાવાદમાં કૉંગ્રેસની રેલી

અમદાવાદઃ NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અને ન્યાય માગતા વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ દમન સામે "છાત્રો કી ગૂંજ" અંતર્ગત ગુજરાત કૉંગ્રેસ દ્વારા આજે અમદાવાદમાં પતંગ હૉટલ (નેહરુબ્રિજ)થી સરદારબાગ(લાલ દરવાજા) સુધી રેલી કાઢવામાં આવી હતી. જેમાં કૉંગ્રેસના નેતાઓએ અમિત શાહ રાજીનામું આપે, વિદ્યાર્થીઓ-યુવાઓ પર ગોળીબાર કરનારાઓને સજા કરે જેવા પ્લેકાર્ડ હાથમાં રાખીને વિરોધ કર્યો હતો. ખાનપુર ભાજપ કાર્યાલયથી 100 મીટરના અંતરે કૉંગ્રેસે ધરણા કર્યા હતા.

અમિત શાહે રાજીનામું આપવું જોઈએઃ અમિત ચાવડા

આ અંગે કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, દેશનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હીમાં કરવામાં આવી રહેલા શાંતિપૂર્ણ પ્રદર્શન પર દેશના ગૃહ પ્રધાનના આદેશથી કરવામાં આવેલો પોલીસ લાઠીચાર્જ લોકશાહી પર કલંક સમાન છે. આ ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારીને ગૃહ પ્રધાન અમિત શાહે તુરંત રાજીનામું આપવું જોઈએ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોની માફી માંગવી જોઈએ.

આ ઉપરાંત પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, શિક્ષણના વ્યાપારીકરણ અને વારંવાર થતા પેપર લીકને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. જ્યારે દેશભરના વિદ્યાર્થીઓ જંતર-મંતર પર ભેગા થઈને પોતાનો અવાજ ઉઠાવી રહ્યા હતા, ત્યારે તેમની સાથે વાતચીત કરવાને બદલે વડા પ્રધાન અને ગૃહ પ્રધાનના આદેશથી પોલીસ દ્વારા તેમના પર આડેધડ લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડીને બર્બર અત્યાચાર કરવામાં આવ્યો હતો. બિહારમાં AK-47થી ગોળીબાર થયો હોવા છતાં જવાબદારો સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ચાવડાએ ચેતવણી આપી કે, આવો જુલમી આદેશ આપનારાઓ સામે જ્યાં સુધી કડક પગલાં નહીં લેવાય, ત્યાં સુધી કૉંગ્રેસ વિદ્યાર્થીઓના હક માટે રસ્તા પર ઉતરીને લડત ચાલુ રાખશે. દેશનો યુવા વર્ગ હવે આ અન્યાય સહન નહીં કરે.

ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, NEET પેપર લીકના વિરોધમાં જ્યારે વિદ્યાર્થીઓ શાંતિથી વિરોધ કરી રહ્યા હતા, ત્યારે તેમને ન્યાય આપવાને બદલે તેમના પર લાઠીઓ અને ગોળીઓ ચલાવવામાં આવી હતી. રાહુલ ગાંધીએ આ મુદ્દે રજૂઆત કરી તો તેમની સાથે પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. વિરોધ વધતાં સરકારે કેન્દ્રીય શિક્ષણ પ્રધાનનું રાજીનામું તો લઈ લીધું, પરંતુ અમારી માંગ છે કે વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ રાજીનામું આપે.