અમદાવાદઃ ગુજરાતમાં કૉંગ્રેસ બેઠી થવાની કોશિશ જેટલીવાર કરે છે તેટલીવાર પછડાટ ખાય છે. આનું કારણ પક્ષમાં જોવા મળતી જૂથબંધી અને ખેંચાખેંચી હોવાનું ખુદ કૉંગ્રેસના નેતાઓએ સ્વીકાર્યું છે. ફરી પક્ષના ધ્યાનમાં આવ્યું છે કે રાજ્યના શહેર જિલ્લા પ્રમુખ કક્ષાના નેતાઓ માત્ર પદ ભોગવે છે, પરંતુ જમીન સ્તર પર પક્ષને મદદરૂપ થાય તેવા કામ થતાં નથી. જૂથબંધી અને નિષ્ક્રિયતાને કારણે અમુક વિસ્તારોમાં પક્ષ નબળો પુરવાર થઈ રહ્યો છે.
કૉંગ્રેસે અમદાવાદ ખાતેની રાષ્ટ્રીય સ્તરની બેઠકમાં દરેક જિલ્લાને મજબૂત બનાવવા અને જિલ્લાસ્તરે પક્ષને બેઠો કરવા ખાસ પ્રયત્નો કરવાની વાત કરી હતી. ત્યારબાદ પક્ષમા્ં નવી વરણીઓ કરવામાં આવી હતી. જોકે તે સમયે પણ અમુક લોકોની નેતાગીરી અને તેમને આપવામાં આવેલી તક સામે પ્રશ્નાર્થો ઊભા કરવામાં આવ્યા હતા. હવે પક્ષને ફરી ધ્યાનમાં આવ્યું છે કે લગભગ દસેક જિલ્લાના પ્રમુખો અથવા ઉચ્ચ પદાધિકારીઓ નિષ્ક્રિય રહે છે, જૂથવાદ અને ખેંચતાણમાં વ્યસ્ત રહે છે અને તેના લીધે વિસ્તારના વફાદાર અને નિષ્ઠાવાન કાર્યકરો નારાજ હોવાનું જણાઈ આવે છે.
ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે. કૉંગ્રેસ માટે સત્તા તો બાજુમાં રહી, ટકી રહેવું પણ પડકારજનક બની ગયું છે. ગત વિધાનસભામાં માત્ર 17(182) જ બેઠક કૉંગ્રેસના ભાગે આવી હતી.
જોકે જિલ્લા સ્તરે જ નહીં રાજ્યસ્તરે પણ પક્ષમાં અસંતોષ બહાર આવ્યા કરે છે. થોડા સમય પહેલા અમુક નેતાઓ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે ફરિયાદો કરવા દિલ્હી પહોંચી ગયા હતા. દિલ્હીમાં તેમની વાત કેટલી કાને ધરવામાં આવી તે અંગે પક્ષમાં કોઈ બોલવા તૈયાીર નથી, પણ અમિત ચાવડા રાજ્યના વિવિધ મુદ્દાઓ મામલે સરકારને ઘેરી રહ્યા છે, ત્યારે હવે પક્ષ જિલ્લાસ્તરે પણ મજબૂત થવા માટે અમુક નેતાને છુટ્ટા કરવાનું વિચારી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જોકે આ પહેલીવાર નથી, પક્ષ દરેક હાર બાદ ચહેરા બદલતું રહે છે, પરંતુ જે મજબૂત નેતાગીરીની જરૂરત છે તે ઊભરી રહી નથી, આથી પક્ષ જ્યાં છે ત્યાં જ રહે છે, તેવું રાજકીય પંડિતો માને છે.