(અમારા પ્રતિનિધિ તરફથી)
તળાજા: દેશમાં ચારે બાજુ મંદીની ચર્ચા છે! પણ ભાવનગરના તળાજામાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને ઉજવવા માટે ચાંદીની રાખડીઓની ખરીદી ગત વર્ષ કરતા ત્રણ ગણાથી પણ વધુ રહી હતી. માત્ર ચાંદીની જ નહિ, સોનાની રાખડીઓની પણ માગ રહી હતી. તળાજાની બજારોમાં આજે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્ય બજાર, સોના ચાંદીની દુકાનો અને પેંડાની દુકાનો પર રીતસર ખરીદી માટે પડાપડી થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
શહેરના એક જાણીતા સોની વેપારીએ જણાવ્યું હતુ કે ચાંદીના વધેલા ભાવને લઈ આ વખતે ચાંદીની ખાસ રાખડીઓ શુદ્ધ ચાંદીની બનાવડાવી હતી. જેને લઈને અગાઉ ધારેલી કરતાં વધુ ઘરાકી નીકળી હતી. રૂ.150 થી લઈ રૂ.5000 સુધીની રાખડીઓ ચાંદીની વેચાણ માટે મૂકી હતી. જે ગત વર્ષો કરતા ત્રણ ગણી વેચાઈ ગઈ હતી તેમ વેપારીએ જણાવ્યું હતું. આ વખતે સોનાની રાખડીઓની પણ ડિમાન્ડ હતી. તળાજાની સોની બજારમાં સોનાની રાખડીઓનું પણ નોંધપાત્ર સંખ્યામાં વેચાણ થયું હતું.
સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે તળાજા શાક માર્કેટમાં બહેનોની અવર જવર અન્ય બજાર કરતા વધુ હોય અહીં અને આસપાસના વિસ્તારમા પ્રથમ વખત રાખડીઓના મોટા સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. આજ વહેલી સવારથી જ બજારમાં બહેનોની ટોળામોઢે ખરીદી કરતાજોવા મળ્યાહતા.
રાખડીના વેપારીઓએ જણાવ્યું હતુ કે ગતવર્ષો કરતા આ વખતે તળાજા ની બજારમા મોંઘી અને વધુ વેરાયટી ધરાવતી રાખડીઓ વેચવા લાવ્યાછીએ.બહેનો સસ્તી કરતા મોંઘી અને દેખાવમા આકર્ષક, નાની રાખડીઓ વધુ પસંદ કરેછે. હવે ભાભી ની રાખડી નું વેચાણપણ ખૂબ વધ્યુછે.
રક્ષાબંધનના દિવસે મીઠાઈની જગ્યાએ ચોકલેટના વધતા ચલણ સામે તળાજાના પેંડા વખણાતા હોય આજે નામાંકિત પેંડાની દુકાનો પર પેંડા ખરીદવા માટે રીતસર પડાપડી જોવા મળી હતી. સ્થાનિક પેંડાવાળાએ જણાવ્યું હતુ કે રક્ષાબંધનના તહેવારમાં સામાન્ય દિવસો કરતા અનેક ગણી માગ રહે છે તેને પહોંચી વળવા માટે સતત ચારેક દિવસથી લાગલગાટ ભઠ્ઠીએ બેસીને પેંડા બનાવવામાં આવ્યા હતા.આર્થિક રીતે સમૃદ્ધ વર્ગ પેંડાની બદલે કાજુકતરી ખરીદવાનું વધુ પસંદ કરે છે, તેમ સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું.