ગાંધીનગર : ગુજરાતનાં વર્ષ 2026-27ના રૂ. 4 લાખ 8 હજાર કરોડના બજેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું હતું. તેમણે આ બજેટને અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ગુજરાત દરેક સંકલ્પોને સાકાર કરવામાં તેમના જ દિશાદર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે. આ બજેટ કોઈપણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જન કલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે.
ગયા વર્ષ કરતાં 10.2 ટકાનો વધારો
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 2026-27ના બજેટનું કદ 4 લાખ 8 હજાર કરોડનું છે એટલે કે ગયા વર્ષ કરતાં 10.2 ટકાનો વધારો બજેટ સાઈઝમાં થયો છે. બજેટના કુલ ખર્ચના 65 ટકા વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે. સમાજના દરેક વર્ગો ખાસ કરીને ગ્યાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
વિકાસ માટે પર્યાવરણ પ્રિય ગ્રીન ગ્રોથનું ધ્યાન પણ બજેટમાં રાખવામાં આવ્યું
બજેટમાં યુવાનોને ધ્યાનમાં રાખી એજ્યુકેશન, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર માટે 20 ટકા એટલે કે 64 હજાર કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે. આ ઉપરાંત શિક્ષિત, સજ્જ, ઉત્કૃષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર યુવાશક્તિના નિર્માણ માટે બજેટમાં ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ માટે 226 કરોડ રૂપિયાનું પ્રાવધાન પણ કરવામાં આવ્યું છે. વિકાસ માટે પર્યાવરણ પ્રિય ગ્રીન ગ્રોથનું ધ્યાન પણ બજેટમાં રાખવામાં આવ્યું છે.આ વર્ષના બજેટમાં 15 હજાર કરોડથી વધુની રકમ ગ્રીન બજેટના ભાગરૂપે ફાળવી છે.
પ્રવાસન માટે 6500 કરોડ રૂપિયાની બજેટ ફાળવણી
આરોગ્ય સુખાકારી, સામાજિક સેવાઓ માટે 19 ટકા તેમજ કૃષિ, સિંચાઈ, પાણી માટે શહેરી વિકાસ માટે 11 ટકાની ફાળવણી થઈ છે. મુખ્યમંત્રીએ પ્રવાસન ક્ષેત્રને વધુ નવી ઉંચાઈ મળે તે માટે વર્ષ 2026ને "ગુજરાત પ્રવાસન વર્ષ" તરીકે જાહેર કરવાની જોગવાઇ અને 6500 કરોડ રૂપિયાની બજેટ ફાળવણીની ખાસ નોંધ લઇને બીરદાવી હતી.
આદિવાસી વિસ્તારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા 35 હજાર કરોડની ફાળવણી
આદિવાસી વિસ્તારને મુખ્યધારાનાં લાવવા માટેનાં પ્રયાસો અને નાણાંકીય ફાળવણીની વાત કરતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે, ભગવાન બિરસામુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણીના વર્ષમાં આદિવાસી વિસ્તારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા 35 હજાર કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે. આ ઉપરાંત આદિવાસી યુવાનોને ઘર આંગણે રોજગાર અવસર માટે આદિવાસી વિસ્તારોમાં 5 નવી જી.આઇ.ડી.સી.ની સ્થાપના પણ કરાશે. ચાર આદિવાસી જીલ્લાઓનાં 18 તાલુકાની 51,480 હેક્ટર વિસ્તારને ઉદવહન સિંચાઇ આપવાનું જે આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
ડિજીટલ ગવર્નન્સનમાં અગ્રેસર રાખવા 850 કરોડની ફાળવણી
તેમણે ખાસ ભાર મુકતા જણાવ્યું કે, અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાનીનો અવસર મળ્યો છે. આ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક પરિવહન સેવાઓ સાથે ઓલમ્પીક રેડી અમદાવાદ માટે 1200 કરોડથી વધુ રૂપિયાની ફાળવણી આ બજેટમાં કરવામાં આવી છે.દિલ્હીમાં ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમિટ ચાલી રહી છે ત્યારે નવા જમાનાની સાથે ડગ મિલાવતા યુવાનો માટે હવેનો સમય AI અને ડિપ ટેક્નો યુગ છે ગુજરાતને એ.આઈ. અને ડિજીટલ ગવર્નન્સના ઈનિશ્યેટિવમાં અગ્રેસર રાખવા 850 કરોડથી વધુની રકમ ફાળવી છે અને ડેટા ફ્યુઝન સેન્ટર તથા સેન્ટર ઓફ એક્સલન્સની જાહેરાત કરી છે.
સર્વ સમાવેશી બજેટ
તેમણે સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ પાંચ સ્તંભ પર આધારિત આ બજેટ માટે નાણાંમંત્રી કનુ દેસાઇ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપતા જણાવ્યું કે, સોમનાથ સ્વાભિમાન પર્વની ગૌરવમય ઉજવણી કરી રહ્યાં છીએ. આ સ્વાભિમાન પર્વ સાથે પ્રત્યેક ગુજરાતી ગુજરાતના ગતિમાન વિકાસનું ગર્વ લઈ શકે તેવું આ સર્વ સમાવેશી બજેટ છે.