Thu Apr 16 2026

Logo

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના નિવેદનને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વખોડયું, કહ્યું છ કરોડ ગુજરાતીઓનું અપમાન

2026-04-06 18:31:00
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર: કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે અહીં તેમની વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક વિવાદાસ્પદ નિવેદન આપતા ગુજરાતના લોકોને "અભણ" ગણાવ્યા હતા અને દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેઓને "મૂરખ" બનાવવામાં આવી રહ્યા છે. આને કારણે મોટો વિવાદ થયો છે. આ મામલે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. 

કોંગ્રેસ હાર ભાળી ગઇ છે 

સીએમ ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી તથા ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ હાર ભાળી ગઇ છે.  ગિફ્ટ સિટી થકી ગુજરાત ગ્રીન ટેક હબ બન્યું છે. તેમજ  ઝવેરચંદ મેઘાણી, વિક્રમ સારાભાઈ, મોરારજી દેસાઈ જેવા વિરલ વ્યક્તિત્વ દેશને ગુજરાતે આપ્યા છે. તેમણે કહ્યું કે  રાજનિતીમાં વૈચારિક મતભેદ હોઈ શકે પણ કોઈ રાજ્યના લોકોનું અપમાન કરવું એ માત્ર અશોભનીય નથી પરંતુ કોંગ્રેસની બિમાર અવસ્થાનું વર્ણન કરે છે.

ગુજરાતનો વિકાસ કોંગ્રેસને પચતો નથી

રાજ્યના નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ પણ આકરા શબ્દોમાં પ્રહાર કર્યો હતો.  કોંગ્રેસમાં ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે કેટલું ઝેર ભરેલું છે આ પ્રકારનું અપમાન કોંગ્રેસની 'બિમાર માનસિકતા દર્શાવે છે. તેમણે કહ્યું કે ખડગેજીએ સમજી વિચારીને અપમાન કર્યું છે. જે પાર્ટી ગુજરાતમાં જીતી નથી શકતી એ ગુજરાતને કોસે છે. તેમજ ખડગેને પૂછ્યું હતું કે આ નિવેદન તમારું છે કે રાહુલ ગાંધીએ લખીને આપ્યું છે ?  કોંગ્રેસને ગુજરાતીઓથી નફરત છે.  ગુજરાતમાં તમે ક્યારેય જીતી નહી શકો. કોંગ્રેસની માનસિક્તા જ બિમાર છે. તેમજ ગુજરાતનો વિકાસ  કોંગ્રેસને પચતો નથી