Mon Oct 05 2026

Logo

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારી-અધિકારીઓને ખખડાવીને શું કહ્યું ?

2026-05-06 10:58:00
Author: Mayur Patel
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારી-અધિકારીઓને ખખડાવીને શું કહ્યું ?

અમદાવાદઃ  અડાલજના ત્રિ-મંદિર પરિસરમાં રાજ્યના કલેકટરો અને મહેસૂલ વિભાગના અધિકારીઓની ચિંતન શિબિરનો મુખ્ય પ્રધાને પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે તેમણે સરકારી કર્મચારી-અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા. તેમણે ટકોર કરતાં કહ્યું, બધું જ હું કરું છું તેવો આત્મશ્લાધાનો ભાવ ત્યજીને સૌ સાથે મળીને કામ કરો.

શું બોલ્યા મુખ્ય પ્રધાન

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં કહ્યું, શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં મુખ્ય પ્રધાને કહ્યું, જિલ્લા કલેક્ટરો પાસે વિશાળ
સત્તાઓ છે અને સરકાર લોક કલ્યાણના કામો માટે જ કાર્યરત છે ત્યારે સ્પષ્ટતા અને સંવેદના સાથે પ્રશ્નોનું નિવારણ થાય તે જ આપણું દાયિત્વ હોવું જોઈએ. તેમણે મહેસૂલી અધિકારીઓને તેમની પાસે આવતા લોકોને કોઈ ખચકાટ ન રહે અને સંતોષની અનુભૂતિ થાય તેવા વર્તન-વ્યવહાર હસતા મોંઢે કરવાની પણ શીખ આપી હતી. 

બધું હું જ કરું છું તેવું અભિમાન છોડીને કામ કરો

આ ઉપરાંત મુખ્ય પ્રધાને પૂછ્યું હતું કે, જો આ ચિંતન શિબિર છે તો બધા અધિકારીઓ આટલા ચિંતામાં કેમ દેખાય છે? તેમણે અધિકારીઓને બધું હું જ કરું છું તેવું અભિમાન છોડીને બધા સાથે મળીને  કામ કરવા સલાહ આપી હતી. આ ઉપરાંત તેમણે કલેક્ટરોને યાદ અપાવ્યું હતું કે તેમની પાસે ઘણી સત્તા છે, અને આ સત્તાનો ઉપયોગ લોકોના ભલા માટે થવો જોઈએ. તેમણે ચેતવણી આપી કે એક-બે ભ્રષ્ટ કે બેદરકાર કર્મચારીને કારણે આખા વિભાગનું નામ ખરાબ ન થવું જોઈએ.

દર 15 દિવસે પોતાના કામની સમીક્ષા કરો

મુખ્ય પ્રધાને સ્પષ્ટ કર્યું કે કામમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે અધિકારીઓને દર 15 દિવસે પોતાના કામની સમીક્ષા કરવા જણાવ્યું હતું. સ્વાગત ઓનલાઈન જેવા કાર્યક્રમોમાં લોકોની ફરિયાદો છેક તેમના સુધી પહોંચે છે. તેથી, અધિકારીઓએ લોકોની સમસ્યાઓ સ્થાનિક સ્તરે જ ઉકેલાઈ જાય અને નાગરિકોને સંતોષ મળે તેવી રીતે કામ કરવું જોઈએ તેવી ટકોર પણ કરી હતી.