Wed Jun 17 2026

Logo

ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદને હરિયાળું બનાવાશે, વન અને પર્યાવરણ વિભાગ માટે રૂપિયા 3560 કરોડની જોગવાઇ

2026-02-18 16:14:25
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું હતું.  જેમાં રાજયમાં વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂપિયા 3560 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ અંગે જોગવાઈ અને જણાવતા નાણાંમંત્રીએ કહ્યું હતું કે,  કચ્છના બન્ની પ્રદેશમાં આવેલ છારી-ઢંઢ જળપ્લાવિત ક્ષેત્રનો પ્રતિષ્ઠિત રામસર સાઇટમાં સમાવેશ થયેલ છે. આ સાથે જ રામસર સાઇટમાં સામેલ ગુજરાતના સ્થળોની સંખ્યા વધીને પાંચ થઇ છે. તેમજ  વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં વધારો કરવામાં આપણું રાજ્ય દેશમાં મોખરે છે. 

સામાજિક વનીકરણ માટે  રૂપિયા 750  કરોડની જોગવાઇ 

રાજ્યના વન વિસ્તાર બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા માટે  રૂપિયા 750  કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ 
વનોના વિકાસ, સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી માટે ₹667 કરોડ, વન્યપ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે ₹ 469 કરોડની,વળતર વનીકરણ તેમજ અન્ય વન વિકાસલક્ષી કામગીરીઓ માટે ₹૩૭૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 

કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્‍ડ રીસ્ટોરેશન માટે ₹68  કરોડની જોગવાઇ

આ ઉપરાંત  વનોની ગીચતા વધારવા ટકાઉ વન વ્યવસ્થાપન માટે JICA પ્રોજેકટ હેઠળ ₹ 258 કરોડ, જિલ્લા અને તાલુકા સ્તરે માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવા  રૂપિયા 102  કરોડ, 10 નવીન ઘાસ ગોડાઉન બાંધકામ અને કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્‍ડ રીસ્ટોરેશન માટે ₹68  કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 

ગ્રીન વોલ ઓફ અરવલ્લી હેઠળ  રૂપિયા 32 કરોડની જોગવાઇ 

વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત સામાજિક વનીકરણ ક્ષેત્રે નર્સરીઓમાં મોટા રોપા તૈયાર કરવા  રૂપિયા 50 કરોડની,  તૃણભક્ષી પ્રાણીઓ માટે બ્રીડિંગ સેન્‍ટર બનાવવા અને ડીસા ખાતે પ્રાણી સંગ્રહાલય બનાવવા  રૂપિય 40  કરોડ, નદીઓના બન્ને કાંઠે સઘન વાવેતર થકી રીવરાઇન લેન્‍ડસ્કેપ રીસ્ટોરેશન એન્‍ડ ડેવલપમેન્‍ટ તેમજ ગ્રીન વોલ ઓફ અરવલ્લી હેઠળ  રૂપિયા 32 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. 

હેરીટેજ ટ્રી ટુ ફાર્મર્સ માટે  રૂપિયા 26  કરોડની જોગવાઇ 

જ્યારે હેરીટેજ વૃક્ષોના રક્ષણ માટે એગ્રો ફોરેસ્ટ્રી તેમજ હેરીટેજ ટ્રી ટુ ફાર્મર્સ માટે  રૂપિયા 26  કરોડ, ગાંધીનગર અને અમદાવાદ વિસ્તારને "વન કવચ" હેઠળ સુશોભિત કરી હરિયાળુ બનાવવા  રૂપિયા 25  કરોડ, ઇકો ટુરિઝમ અને દરિયાઇ પર્યટન વિકસાવવા તેમજ આઇલેન્‍ડ વિકસાવવા માટે  રૂપિયા 20 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 

આહવા ખાતે વન વિજ્ઞાન કેન્‍દ્રની સ્થાપના કરાશે 

તેમજ આદિજાતિ વિસ્તારમાં કૌશલ્ય વર્ધનથી વનવાસીઓની રોજગારીમાં સુધારો કરવા  રૂપિયા 10 કરોડ,આહવા ખાતે વન વિજ્ઞાન કેન્‍દ્રની સ્થાપના કરવા અને અંબાજી ખાતે લોગ હટ બનાવવા  રૂપિયા 8 કરોડ અને અખિલ ભારતીય રમતગમત સ્પર્ધા-2026 નું આયોજન કરવા રૂપિયા 7  કરોડની જોગવાઇ કરવામાં આવી છે.