અમદાવાદઃ આવતીકાલથી ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા કેન્દ્રો પર કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પૂરતી તૈયારીઓ કરી રહ્યું છે. તાજેતરમાં શાળાઓમાં બોમ્બની ધમકીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, બોર્ડે દરેક જિલ્લામાં એક નોડલ ઓફિસરની નિમણૂક કરી છે. તેમની મુખ્ય જવાબદારી પોલીસ સાથે સંકલન સાધવાની અને જો કોઈ બોમ્બની ધમકી જેવી સ્થિતિ ઊભી થાય તો માર્ગદર્શન મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
નોડલ ઓફિસરની નિમણૂક પાછળનો શું છે હેતુ
બોર્ડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નોડલ ઓફિસરની નિમણૂક પાછળનો હેતુ એ છે કે જો આવી કોઈ પણ સ્થિતિ સર્જાય તો સત્તાવાળાઓ સતર્ક રહે, પરંતુ તેનાથી અરાજકતા કે ગભરાટ ન ફેલાય. આવી સ્થિતિમાં નોડલ ઓફિસર અને પોલીસ અધિકારીઓનો સંપર્ક કરવાનો રહેશે. તેઓ સંપૂર્ણ તપાસ કર્યા પછી જો શાળા પરિસર ખાલી કરવાની જરૂર જણાશે તો તે અંગે માર્ગદર્શન આપશે. બોર્ડે સૂ કોઈ પણ ઘટનામાં પરીક્ષા કેન્દ્રોને તાત્કાલિક ખાલી નહીં કરાવવા સૂચના આપી છે.
વિદ્યાર્થીઓને અપાશે વધારાનો સમય
સૂત્રોએ જણાવ્યું કે, જો આવી કોઈ જોખમી સ્થિતિ ઊભી થાય, તો વિદ્યાર્થીઓને સમયના નુકસાન સામે વધારાનો સમય આપવામાં આવશે. પરીક્ષા કેન્દ્રના સત્તાવાળાઓએ આવા સમયે શિસ્ત જાળવવી પડશે અને આ સ્થિતિનો ઉપયોગ વિદ્યાર્થીઓ એકબીજાને ઉત્તરો પૂછવા માટે ન કરે તેનું ધ્યાન રાખવું પડશે.
કોઈપણ પરિસ્થિતિમાં ન ગભરાવવા વિનંતી
આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શિક્ષણ વિભાગ સહિતના તમામ વિભાગો સાથે સંકલન સાધવામાં આવ્યું છે. સંપૂર્ણ સુરક્ષા સાથે યોગ્ય સાવચેતી રાખવામાં આવી છે. તમામ જિલ્લા પોલીસ વડાઓ અને શહેર પોલીસ કમિશનરોને પણ વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના તણાવ વગર પરીક્ષા આપે તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાય નહીં તેવી વિનંતી કરી છે.
આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આસપાસ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે અને ક્વિક રિસ્પોન્સ ટીમ્સ તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક પોલીસને પરીક્ષા કેન્દ્રો પાસે વાહન ચેકિંગ વધારવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. સંવેદનશીલ ઝોનમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં ગભરાટ ન ફેલાય તે માટે પરીક્ષા કેન્દ્રો પાસે સુરક્ષા તપાસ અત્યંત સાવચેતી અને શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે.
સાયબર યુનિટ એલર્ટ પર
જિલ્લાઓ અને મુખ્ય શહેરોના સાયબર યુનિટ્સને શાળા વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે 24 કલાક ઈન્ટરનેટ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને ડિજિટલ ફોરેન્સિક્સ તેમજ આંતરરાષ્ટ્રીય સંકલન માટે ટેકનિકલ ટીમોને કામે લગાડવામાં આવી છે.
સ્કૂલોમાં બોમ્બના ઈમેલનો કેસ ઉકેલવાની નજીક
મંગળવારે પોલીસે જણાવ્યું કે તેઓ અમદાવાદ શહેર, જિલ્લા અને ગાંધીનગરની અંદાજે 40 શાળાઓને મોકલવામાં આવેલા શ્રેણીબદ્ધ બોમ્બ હોક્સ ઈમેલનો કેસ ઉકેલવાની નજીક છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઈમેલ વિદેશમાંથી આવ્યા હોવાનું ટ્રેસ કરવામાં આવ્યું છે. તપાસ ચાલુ હોવાથી દેશના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે રાજ્ય પોલીસ આ બાબતે વિદેશ મંત્રાલય અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ દરમિયાન જ્યારે અનેક શાળાઓ, અદાલતો અને અન્ય સંસ્થાઓને આવા જ ખોટા ધમકીભર્યા સંદેશાઓ મળ્યા ત્યારે ચિંતા ફેલાઈ હતી. લગભગ 15 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસવાના હોવાથી, રાજ્ય સરકારે ભયમુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે કવાયત હાથ ધરી છે. તમામ જિલ્લા પોલીસ વડાઓ અને કલેક્ટરોને શિક્ષણ વિભાગ સાથે મળીને કામ કરવા સૂચના આપવામાં આવી છે.
15 લાખથી વધુ પરીક્ષાર્થીઓ
આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષામાં અંદાજે 15.28 લાખ વિદ્યાર્થીઓ બેસશે. અમદાવાદ શહેર અને જિલ્લાની શાળાઓમાંથી કુલ 1,73,868 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં શહેરના 3340 પરીક્ષા બ્લોકમાંથી 95,688 અને જિલ્લા હેઠળના 2709 બ્લોકમાંથી 78,180 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.