અમદાવાદઃ આજથી ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બેઠક મળશે. જેમાં અમદાવાદના મેયર સહિતના હોદ્દેદારોનાં નામ નક્કી થશે. આ બેઠકમાં ગુજરાતની કુલ 393 સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે પદાધિકારીઓની પસંદગી અંગે ચર્ચા થશે. જેમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે.
ગુજરાત ભાજપ દ્વારા આગામી સમયમાં સ્થાનિક સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે. પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠકમાં વિવિધ હોદ્દાઓ માટેના નામો પર આખરી મહોર મારવામાં આવશે.
યુવાઓને પણ અપાશે મહત્વ
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, પક્ષ આ વખતે અનુભવી નેતાઓની સાથે યુવા પેઢીને પણ મહત્વની જવાબદારી સોંપવાની તૈયારીમાં છે. સંગઠનમાં સામાજિક અને પ્રાદેશિક સંતુલન જળવાઈ રહે તે બાબતને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. કાર્યકર્તાઓમાં એકસૂત્રતા અને સમાધાનકારી વાતાવરણ રહે તે માટે ટોચના નેતાઓ ગંભીરતાથી ચર્ચા કરી રહ્યા છે.
કોણ મારશે મંજૂરીની મહોર
પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠકમાં દરેક જિલ્લા અને શહેર માટે તૈયાર કરવામાં આવેલી સંભવિત નામોની યાદી પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. મુખ્ય પ્રધાન, પ્રદેશ ભાજપ અગ્રણીઓ અને બોર્ડના સભ્યો આ પ્રક્રિયાને આખરી ઓપ આપશે. દરેક બેઠક માટે લાયક ઉમેદવારોના નામ પર વિચાર-વિમર્શ કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવશે.
વિધાનસભા ચૂંટણીને પણ રખાશે ધ્યાનમાં
ખાસ કરીને મહાનગરપાલિકાઓના મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખોની પસંદગી પર સૌની નજર ટકેલી છે. આ પસંદગી આગામી રાજકીય સમીકરણો અને સ્થાનિક રાજકારણની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ બેઠકના નિર્ણયો ભાજપના સંગઠનાત્મક માળખા માટે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. ઉલ્લેખનયી છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે મેળવેલી પ્રચંડ જીત બાદ આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે તેમ માનવામાં આવે છે.