Mon Sep 14 2026

Logo

ગુજરાતમાં દારૂબંધી છતાં 'હેલ્થ પરમિટ'થી સરકારે કરોડોની કમાણી કરીઃ વિધાનસભામાં ખુલાસો

2026-02-19 17:02:53
Author: savan zalariya
ગુજરાતમાં દારૂબંધી છતાં 'હેલ્થ પરમિટ'થી સરકારે કરોડોની કમાણી કરીઃ વિધાનસભામાં ખુલાસો

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર:
એકતરફ ગુજરાતમાં દારૂબંધી છે, પણ રાજ્ય સરકારને હેલ્થ લિકર પરમિટ ફી પેટે થતી આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકાર દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. 

સરકારી માહિતી મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને પરમિટ ફી દ્વારા કરોડો રૂપિયાની આવક થઈ હતી, જે દર્શાવે છે કે રાજ્યમાં સ્વાસ્થ્યના આધારે લિકર પરમિટ મેળવનારાઓની સંખ્યા અથવા ફીના દરમાં વધારો થયો છે.

આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, 2024-2025ના સમયગાળામાં રાજ્યને કુલ રૂ. ૭,૮૮,૬૮,૦૦૦ ની આવક થઈ હતી. જ્યારે ૨૧ જાન્યુઆરી ૨૦૨૫થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સુધીના સમયગાળામાં આ આવક વધીને રૂ. ૮,૬૩,૧૫,૦૦૦ પર પહોંચી ગઈ હતી. 

આમ, માત્ર એક જ વર્ષમાં પરમિટ ફીની આવકમાં અંદાજે ૭૪ લાખ રૂપિયાથી વધુનો વધારો નોંધાયો હતો. સ્ટેટ પોલીસ કમ્પ્લેન્ટ્સ ઓથોરિટીના આંકડા પણ રજૂ થયા હતા. છેલ્લા બે વર્ષમાં પોલીસ વિરુદ્ધ કુલ ૨૫૧૦ ફરિયાદો મળી હતી, જેમાંથી ૨૪૯૪ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો. હાલ માત્ર ૧૬ જેટલી ફરિયાદો પડતર છે, જેની તપાસની કાર્યવાહી ચાલુ હોવાનું ગૃહ વિભાગે સ્પષ્ટ કર્યું હતું.