Mon Oct 05 2026

Logo

ગ્રેટર નોઈડામાં કુટ્ટુનો લોટ ખાતા 40 થી વધુને ફૂડ પોઈઝનિંગ, તંત્ર થયું દોડતું

2026-02-16 11:51:00
Author: Tejas Rajpara
ગ્રેટર નોઈડામાં કુટ્ટુનો લોટ ખાતા 40 થી વધુને ફૂડ પોઈઝનિંગ, તંત્ર થયું દોડતું

નવી દિલ્હી: મહાશિવરાત્રિના પવિત્ર પર્વ પર જ્યારે શ્રદ્ધાળુઓ ઉપવાસ અને પૂજા-અર્ચનામાં મગ્ન હતા, ત્યારે ગ્રેટર નોઈડામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ફરાળમાં 'કુટ્ટુનો લોટ' (Buckwheat Flour) ખાવાને કારણે એકસાથે અનેક લોકોની તબિયત બગડી હોવાના અહેવાલ મળ્યા છે. આ ઘટનાએ તહેવારના ઉત્સાહ વચ્ચે ભયનો માહોલ સર્જ્યો છે અને તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગ્રેટર નોઈડા વેસ્ટમાં આવેલી સુપરટેક ઈકો વિલેજ-3 અને હિમાલયા પ્રાઈડ જેવી પ્રતિષ્ઠિત સોસાયટીઓમાં રહેતા 40 થી વધુ લોકો આ ઝેરી ખોરાકનો ભોગ બન્યા છે. મહાશિવરાત્રિના ઉપવાસ દરમિયાન આ પરિવારોએ કુટ્ટુના લોટમાંથી બનાવેલી વાનગીઓ ખાધી હતી. ભોજનના થોડા જ સમય બાદ લોકોને અચાનક ઉબકા, ઉલટી, સતત ચક્કર આવવા અને શરીરમાં ધ્રૂજારી જેવી તકલીફો શરૂ થઈ હતી. સોમવારે હાલત વધુ બગડતા તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાની જાણ થતા જ બિસરખ પોલીસ સ્ટેશનની ટીમ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ હોસ્પિટલ તેમજ અસરગ્રસ્ત સોસાયટીઓ ખાતે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં આ સ્પષ્ટપણે ફૂડ પોઈઝનિંગનો કેસ હોવાનું જણાય છે. આરોગ્ય વિભાગ દ્વારા લોટના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી જાણી શકાય કે આ લોટમાં કોઈ ભેળસેળ હતી કે તે જૂનો (એક્સપાયર થયેલો) હોવાને કારણે ઝેરી બન્યો હતો. પોલીસે સ્થાનિક દુકાનદારોની પૂછપરછ પણ શરૂ કરી છે જ્યાંથી આ લોટ ખરીદવામાં આવ્યો હતો.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, કુટ્ટુનો લોટ જો લાંબા સમય સુધી સંગ્રહિત રાખવામાં આવે તો તેમાં ફૂગ કે બેક્ટેરિયા પેદા થાય છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તહેવારો દરમિયાન બજારમાં વધતી માંગને પહોંચી વળવા ઘણીવાર ભેળસેળિયાઓ જૂનો સ્ટોક કાઢતા હોય છે. આવી સ્થિતિમાં, વહીવટી તંત્રએ લોકોને અપીલ કરી છે કે હંમેશા પેકિંગ અને એક્સપાયરી ડેટ ચેક કરીને જ ફરાળી સામગ્રી ખરીદવી અને જો તબિયત થોડી પણ બગડે તો ઘરેલું ઉપચારને બદલે તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.