(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ રાજ્યમાં વહીવટી સરળતા, પર્યાવરણીય દેખરેખની ક્ષમતા અને ઔદ્યોગિક એકમોની સુવિધામાં વધારો કરવાના હેતુથી, ભૌગોલિક અનુકૂળતાને ધ્યાનમાં રાખીને બોટાદ જિલ્લા અને બામણબોર ઔદ્યોગિક વિસ્તારની પ્રાદેશિક કચેરીઓનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. આ નવા ફેરફારથી વહીવટી અને મહેસૂલી સીમાઓ વચ્ચે સુસંગતતા આવશે અને સંબંધિત વિસ્તારોના ઉદ્યોગો માટે સરકારી પ્રક્રિયાઓ અત્યંત સરળ અને ઝડપી બનશે.
આ નવા સુધારા અંતર્ગત બામણબોર જી.આઈ.ડી.સી. તથા તેની આસપાસના વિસ્તારોને સુરેન્દ્રનગર કચેરીમાંથી મુક્ત કરી રાજકોટ પ્રાદેશિક કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ મૂકવામાં આવ્યા છે. આ ફેરફારથી કચેરીનું અંતર 84 કિમીથી ઘટીને માત્ર 29 કિમી થઈ જશે.
બામણબોર-રાજકોટ સળંગ ક્લસ્ટર હોવાથી એકસમાન પર્યાવરણીય નિયમન શક્ય બનશે અને કોઈપણ દુર્ઘટના સમયે રાજકોટની ટીમ મિનિટોમાં સ્થળ પર પહોંચી શકશે. વધુમાં, રાજકોટ ખાતે જૂની સ્થાપિત કચેરી, સ્ટાફ અને બોર્ડની પોતાની પ્રયોગશાળા ઉપલબ્ધ હોવાથી ઉદ્યોગોના સેમ્પલનું પૃથક્કરણ ત્વરિત થશે.
બીજી તરફ, સાણંદ જી.આઈ.ડી.સી. અને ધોલેરા એસ.આઈ.આર. ના ઝડપી વિકાસને કારણે અમદાવાદ (ગ્રામ્ય) કચેરીના વધતા વહીવટી કાર્યભારને હળવો કરવા માટે બોટાદ જિલ્લાને હવે સુરેન્દ્રનગર પ્રાદેશિક કચેરી હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યો છે.
અગાઉ અમદાવાદથી બોટાદનું અંતર આશરે 130 કિમી હતું, જે હવે સુરેન્દ્રનગર કચેરી સાથે જોડાતા ઘટીને માત્ર 70 કિમી થઈ ગયું છે. આ નિર્ણયથી બોટાદ જિલ્લાના તમામ 169 ઔદ્યોગિક અને 36 હેલ્થકેર એકમોને નજીકની સેવાઓનો સીધો લાભ મળશે.