Fri Apr 17 2026

Logo

ગોરેગામના મ્યુઝિકલ કૉન્સર્ટમાં ડ્રગ્સ સપ્લાય કરનારા સ્ટુડન્ટની ધરપકડ

2026-04-16 19:58:36
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ગોરેગામમાં નેસ્કો સેન્ટરના હૉલમાં આયોજિત મ્યુઝિકલ કૉન્સર્ટમાં કથિત ડ્રગ્સના ઑવરડોઝને કારણે શહેરની પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલના બે વિદ્યાર્થીએ જીવ ગુમાવતાં મચેલા હોબાળા પછી પોલીસ ડ્રગ્સ સપ્લાયની આખી ચેઈન પકડી પાડવાના પ્રયાસ કરી રહી છે. પોલીસે ગુરુવારે ડ્રગ્સ સપ્લાય સાથે સંકળાયેલા બિઝનેસ સ્કૂલના સ્ટુડન્ટની ધરપકડ કરી હતી.

વનરાઈ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ વિનિત ગરલાની (22) તરીકે થઈ હતી. કૉન્સર્ટમાં ડ્રગ્સ પહોંચાડવામાં વિનિતે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

વિનિતના પકડાવાથી આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા સાત પર પહોંચી હતી. અગાઉ પોલીસે દક્ષિણ મુંબઈની બિઝનેસ સ્કૂલના બે વિદ્યાથી અને કૉન્સર્ટના આયોજકો સહિત છ જણની ધરપકડ કરી હતી. પકડાયેલાઓમાં કલ્યાણના બિલ્ડર આનંદ પટેલનો પણ સમાવેશ થતો હતો. આનંદ પટેલે ડિલિવરી ઍપના માધ્યમથી ડ્રગ્સની ટેબ્લેટ્સ ધરપકડ કરાયેલા સ્ટુડન્ટ પ્રતીક પાંડેને મોકલાવી હતી.

અગાઉ ધરપકડ કરાયેલા આરોપીઓની પોલીસ કસ્ટડી ગુરુવારે પૂરી થતી હોવાથી તેમને કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા. છ આરોપી સાથે ગુરુવારે ધરપકડ કરાયેલા વિનિતને પણ કોર્ટમાં હાજર કરાયો હતો. કોર્ટે સાતેય આરોપીને 18 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

કલ્યાણમાં ફિલ્મી ઢબે આનંદ પટેલને પકડી પાડ્યા પછી તેની પૂછપરછમાં વિનિતનું નામ સામે આવ્યું હોવાનું કહેવાય છે. પોલીસે બુધવારે જ શંકાને આધારે વિનિતને તાબામાં લીધો હતો. પૂછપરછમાં તેની ભૂમિકા સ્પષ્ટ થતાં ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાય છે.