Sat Apr 18 2026

Logo

વિશ્વ બજારથી વિપરીત સ્થાનિક ચાંદીમાં રૂ. 6230નો ચમકારોઃ સોનું રૂ. 2291 વધ્યું

2026-04-06 20:07:46
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 
મુંબઈઃ ગત શુક્રવારે અમેરિકાના જોબ ડેટા મજબૂત આવવાની સાથે વ્યાજદરમાં કપાતની શક્યતા વધુ નબળી પડી હોવાથી તેમ જ અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધ અંગે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ નિવેદનમાં શું કહેશે તેની અવઢવ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં વિશ્વ બજારથી વિપરીત ગત ગુરુવારના વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા હાજરમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 6230નો ચમકારો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2282થી 2291 વધી આવ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે બજાર ગુડ ફ્રાઈડે નિમિત્તે બંધ રહી હતી.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વેરારહિત ધોરણે 999 ટચ ચાંદીના કિલોદીઠ ભાવ આગલા બંધ સામે રૂ. 6230 વધીને રૂ. 2,34,043ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળે ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી છૂટીછવાઈ રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હતી. તે જ પ્રમાણે સોનામાં પણ ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2282 વધીને રૂ. 1,48,303 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2291 વધીને રૂ. 1,48,899ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં પણ વધ્યા મથાળેથી રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક હતી. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 4658.90 ડૉલર અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 0.1 ટકા વધીને ઔસદીઠ 4684.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.9 ટકા ઘટીને આૈંસદીઠ 72.31 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે એશિયા અને યુરોપના અમુક બજારો જાહેર રજાને કારણે બંધ હોવાથી કામકાજો પાંખાં રહ્યા હતા. 

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાનને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખોલાવા માટે આપેલી મંગળવાર સુધીની મુદત પૂરી થઈ રહી છે અને ઈરાને હજુ સુધી માર્ગ ખોલ્યો ન હોવાથી આજે અમેરિકી પ્રમુખ તેના નિવેદનમાં યુદ્ધ અંગે કેવાં અણસાર આપે છે તેના પર બજાર વર્તુળોની નજર હોવાનું ઓએનડીએનાં વિશ્લેષક કેલ્વિન વૉંન્ગે જણાવ્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડે અગાઉ ધમકી આપી હતી કે જો મંગળવાર સુધીમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માર્ગ ખોલવામાં નહીં આવે તો ઈરાનને નરક બનાવી દેવામાં આવશે. જોકે, અમેરિકી ઈન્ટેલિજન્સના મતાનુસાર નજીકના ભવિષ્યમાં માર્ગ ખોલશે નહીં. તેમ છતાં એક્સિઓસના અહેવાલ અનુસાર અમેરિકા, ઈરાન અને મધ્યસ્થીઓના જૂથ 45 દિવસના યુદ્ધવિરામ માટે ચર્ચા કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
 
દરમિયાન આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હોવાથી ફુગાવામાં વધારાની ચિંતા સપાટી પર રહી હતી. સામાન્યપણે વધતા ફુગાવાના સંજોગોમાં સોના જેવી કિંમતી ધાતુઓમાં હેજરૂપી માગ રહેતી હોય છે, પરંતુ ફુગાવામાં થનારી અપેક્ષિત વૃદ્ધિને કારણે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા નબળી પડી રહી હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ રહેતાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં હાલના ક્રૂડતેલના ભાવને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ વર્તમાન વર્ષ 2026માં વ્યાજદરમાં કાપ નહીં મૂકે એવું બજાર વર્તુળો માની રહ્યા છે.