સ્થાનિકમાં ચાંદી રૂ. 8488 ચમકી, સોનું રૂ. 3791 ઝળક્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ લંડન ખાતે આજે સત્રના આરંભે સોના અને ચાંદીમાં બાર્ગેઈન હંટિંગ અથવા તો ઘટ્યા મથાળેથી રોકાણકારોની લેવાલી નીકળતાં ભાવમાં અનુક્રમે 1.1 ટકાનો અને 2.2 ટકાનો ચમકારો આવ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સપ્તાહના આરંભે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 8488નો ચમકારો આવ્યો હતો, જ્યારે સોનું 10 ગ્રામદીઠ રૂ. 3775થી 3791 ઝળક્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે વેરારહિત ધોરણે ભાવ આગલા બંધ સામે કિલોદીઠ રૂ. 8488ના ચમકારા સાથે રૂ. 2,30,135ના મથાળે રહ્યા હતા. જોકે, વધ્યા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહી હતી. તે જ પ્રમાણે વિશ્વ બજાર પાછળ સોનામાં પણ સુધારાતરફી વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂ. 3775 વધીને રૂ. 1,46,145 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 3791 વધીને રૂ. 1,46,733ના મથાળે રહ્યા હતા. સોનામાં પણ છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે ઘટ્યા મથાળેથી રોકાણકારોની લેવાલી નીકળતાં હાજર અને એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ આગલા બંધ સામે 1.1 ટકા વધીને અનુક્રમે આૈંસદીઠ 4541.76 ડૉલર અને 4572.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 2.2 ટકા વધીને આૈંસદીઠ 71.13 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવ વધવાને કારણે ફુગાવો વધવાની શક્યતા અને ફુગાવો વધતાં અમેરિકી ફેડરલ રિઝર્વ સહિતની અન્ય મુખ્ય કેન્દ્રવર્તી બૅન્કો તંગ નાણાનીતિ જાળવી રાખે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં તાજેતરમાં સોનાના ભાવ એક કરતાં વધુ મહિનાની નીચી સપાટીએ ઊતરી ગયા હોવાથી રોકાણકારોની ઘટ્યા મથાળેથી લેવાલી નીકળી હોવાનું એક્ટિવ ટ્રેડ્સનાં વિશ્લેષક ઈવાન્જેલિસ્ટાએ જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે ગત 28મી ફેબ્રુઆરીએ અમેરિકા-ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર હુમલો કર્યો હતો અને ત્યાર બાદ ઈરાને પણ વળતો હુમલો કરતાં યુદ્ધ શરૂ થયું હતું અને ક્રૂડતેલમાં તેજીની સાથે અત્યાર સુધીમાં ડૉલર ઈન્ડેક્સ પણ બે ટકા મજબૂત થયો હોવાથી આ મહિનામાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ઑક્ટોબર, 2008 પછીનો સૌથી મોટો 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેમ જ ગત સોમવારે વિશ્વ બજારમાં સોનાના ભાવ 24 નવેમ્બર, 2025 પછીની સૌથી નીચી આૈંસદીઠ 4097.99 ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા.
ટ્રેડરોના મતાનુસાર ક્રૂડતેલના ઊંચા ભાવ લાંબા સમયગાળા સુધી જળવાયેલા રહે તેમ હોવાથી ફુગાવામાં વધારો થશે અને કેન્દ્રવર્તી બૅન્કોને તંગ નાણાનીતિ અપનાવવાની ફરજ પડશે આથી વ્યાજદરમાં કાપની શક્યતા નબળી પડી હોવાનું ઈવાન્જેલિસ્ટાએ ઉમેર્યું હતું. જાકે, આજે રોકાણકારોની નજર મોડી સાંજે હાર્વર્ડ ખાતેનાં અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.