Tue Aug 25 2026

Logo

વૈશ્વિક સોના-ચાંદીમાં નફારૂપી વેચવાલીએ પીછેહઠ

2026-08-13 19:59:36
Author: Ramesh Gohil
વૈશ્વિક સોના-ચાંદીમાં નફારૂપી વેચવાલીએ પીછેહઠ

સ્થાનિકમાં ચાંદી રૂ. 2986 ગબડી, સોનામાં રૂ. 348ની નરમાઈ 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
ગઈકાલે અમેરિકાના ફુગાવાના ડેટાની જાહેરાત થયા બાદ ફેડરલ રિઝર્વ આગામી મહિને વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા નબળી પડતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ એક ટકાના ઉછાળા સાથે વધીને બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે ઊંચા મથાળેથી રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2986નો ઘટાડો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 347થી 348 ઘટી આવ્યા હતા. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 12 પૈસા નબળો પડ્યો હોવાથી આયાત પડતરોમાં વધારો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2986ના ઘટાડા સાથે રૂ. 2,34,228ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 347 ઘટીને રૂ. 1,52,458 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 348 ઘટીને રૂ. 1,53,071ના મથાળે રહ્યા હતા. 

ગત જુલાઈ મહિનામાં અમેરિકામાં રિટેલ ફુગાવામાં આગલા જૂન મહિનાની 3.5 ટકાની વૃદ્ધિ સામે ઘટીને 3.4 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. આમ સતત બીજા મહિનામાં ફુગાવામાં ઓછી વૃદ્ધિ થવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા નબળી પડતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવમાં એક ટકાનો ઉછાળો આવ્યો હતો અને ભાવ બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાર બાદ નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 4395.04 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.3 ટકા ઘટીને 4452.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તે જ પ્રમાણે હાજરમાં ચાંદીના ભાવ જે ગઈકાલે ગત બાવીસમી જૂન પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા તે 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 64.99 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

એકંદરે આજે સોના અને ચાંદીમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હોવાનું વિશ્લેષક રોસ નોર્મને જણાવતાં ઉમેર્યું હતું કે બજારમાં ઓવરબોટ પોઝિશન હોવાને કારણે પણ નરમાઈ રહી હતી. જોકે, હાલના મથાળેથી આૈંસદીઠ 4387 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

ગત જુલાઈ મહિનામાં ફુગાવામાં ઓછી વૃદ્ધિ થતાં આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર આગામી સપ્ટેમ્બર મહિનાની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા માત્ર 36 ટકા બજાર વર્તુળો જોઈ રહ્યા હતા, જ્યારે ગઈકાલે ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે બજાર વર્તુળો પંચાવન ટકા શક્યતા મૂકી રહ્યા હતા.