Sat Jun 20 2026

Logo

ફેડરલ રિઝર્વના તંગ નાણાનીતિના સંકેત અને ફરી ભૂરાજકીય તણાવને કારણે સોનામાં સુધારાને બે્રકઃ બેતરફી વધઘટથી સ્થાનિક માગ ડહોળાઈ

2026-06-20 20:45:53
Author: Ramesh Gohil
Article Image

રમેશ ગોહિલ 

અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ શાંત પડવાની સાથે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખૂલવાના આશાવાદ સાથે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો થયો હતો. તેમ જ ક્રૂડતેલના ભાવ ઘટી આવતા ફુગાવાલક્ષી દબાણ હળવું થવાના આશાવાદ સાથે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં ગત સપ્તાહના આરંભિક ત્રણ સત્ર દરમિયાન સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, ગત 16-17 જૂનની અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકના અંતે નીતિ ઘડવૈયાઓએ બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્‌‍ રાખ્યા હતા, પરંતુ કુલ 19 નીતિઘડવૈયાઓ પૈકી નવ ઘડવૈયાઓએ વધતા ફુગાવાને અંકુશમાં રાખવા વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં વધારો કરવો પડે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. આમ ફેડરલ રિઝર્વ તંગ નાણાનીતિ અપનાવે તેવી ધારણા હેઠળ છેલ્લાં બે સત્ર દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો નોંધાયો હતો. વધુમાં સપ્તાહના અંતે ઈઝરાયલે યુદ્ધ વિરામનો ભંગ કરી લેબેનોન પર હુમલા કરતાં અમેરિકા અને ઈરાનના અધિકારીઓની શાંતિ કરાર અંગે થનારી વાટાઘાટોની બેઠક રદ કરવામાં આવતા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં પુનઃ ઘટ્યા મથાળેથી વધી આવતા સોના અને ચાંદીના ભાવ ઘટાડાને વધુ એક પ્રેરક બળ મળ્યું હતું. 

આમ વૈશ્વિક બજારને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ સપ્તાહ દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં બેતરફી વધઘટ જોવા મળી હોવાથી એકંદરે માગ ડહોળાઈ ગઈ હતી. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સ્થાનિકમાં વેરારહિત ધોરણે સપ્તાહના આરંભે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 12મી જૂનના રૂ. 1,47,800 સામે સુધારાના અન્ડરટોને રૂ. 1,50,169ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,44,970 અને ઉપરમાં રૂ. 1,50,663ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે 1.91 ટકા અથવા તો રૂ. 2830ના ઘટાડા સાથે રૂ. 1,44,970ની સપાટીએ બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે 999 ટચ ચાંદીના કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંતના રૂ. 2,42,582ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 2,51,011ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,30,982 અને ઉપરમાં રૂ. 2,51,488ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે 4.37 ટકા અથવા તો રૂ. 10,609ના ઘટાડા સાથે રૂ. 2,31,973ની સપાટીએ બંધ રહ્યા હતા. 

ગત સપ્તાહમાં ભાવઘટાડાના સમયગાળામાં ગ્રાહકોની છૂટીછવાઈ માગ ખૂલી હતી, પરંતુ ભાવમાં ભારે ચંચળતાનું વલણ રહ્યું હોવાથી બૃહદ્ અંશે ગ્રાહકો અને રોકાણકારોએ બજારનાં સ્પષ્ટ વલણ માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હોવાનું અમદાવાદસ્થિત એક જ્વેલરે જણાવ્યું હતું. તે જ પ્રમાણે મુંબઈસ્થિત એક જ્વેલરે જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક સપ્તાહથી રોકાણલક્ષી માગ નબળી પડી છે. જોકે, અમુક જ્વેલરો ખરીદીમાં રસ દાખવી રહ્યા હોવાનું મુંબઈસ્થિત એક જ્વેલરે જણાવ્યું હતું, જ્યારે એક ડીલરે જણાવ્યું હતું કે સપ્તાહ દરમિયાન એકંદર માગ નબળી રહી હોવાથી સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 54 ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા, જ્યારે આગલા સપ્તાહે ડિસ્કાઉન્ટ 35 ડૉલર આસપાસના સ્તરે રહ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત મે મહિનામાં સરકારે સોનાની આયાતજકાતમાં વધારો કર્યો હોવાથી એક વર્ષમાં પહેલી વખત સોના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં ગત મે મહિનામાં ચોખ્ખ્ાો બાહ્યપ્રવાહ જોવા મળ્યો હતો. 

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ જતાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ સામુદ્રધૂની વેપારી જહાજોની અવરજવર માટે ખૂલે તેવા આશાવાદ સાથે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ક્રૂડતેલના ભાવ ઘટી આવતા ગત સપ્તાહના આરંભમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારો આવ્યો હતો, પરંતુ અમેરિકી ફેડરલ રિઝર્વે બે દિવસીય બેઠકના અંતે તંગ નાણાનીતિના સંકેત આપવાની સાથે અમેરિકા અને ઈરાન વચ્ચે ગત શુક્રવારે થનારી વાટાઘાટોની બેઠક રદ થતાં ફરી ક્રૂડતેલના ભાવ વધી આવતા બન્ને કિંમતી ધાતુમાં સુધારો ક્ષણભંગુર જેવો નિવડતાં વિશ્વ બજારમાં સતત ત્રીજા સપ્તાહે સાપ્તાહિક ધોરણે ભાવઘટાડો આગળ ધપતાં વધુ બે ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. હવે આગામી સપ્તાહે રોકાણકારોની નજર અમેરિકા અને ઈરાનનાં શાંતિ કરાર અંગેની વાટાઘાટોના અહેવાલ, ક્રૂડતેલ તથા ડૉલર ઈન્ડેક્સની વધઘટ પર અવલંબિત રહેશે, એમ એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતાનુસાર આગામી સપ્તાહે વિશ્વ બજારમાં સોના માટે આૈંસદીઠ 4000 ડૉલર અને 4380 ડૉલરની સપાટી અનુક્રમે ટેકાની અને પ્રતિકારક સપાટી પુરવાર થશે અને જો ભાવ 4000 ડૉલરની સપાટી ગુમાવશે તો ઘટીને 3880 ડૉલર સુધી પહોંચી શકે છે, જ્યારે ચાંદીના ભાવ આૈંસદીઠ 56થી 72 ડૉલરની રેન્જમાં રહે તેવી ધારણા છે. વધુમાં તેમણે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,38,000થી 1,49,000ની રેન્જમાં અને ચાંદીના ભાવ 2,18,000થી 2,45,000ની રેન્જમાં રહે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. 

વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, ક્રૂડતેલમાં સુધારો અને ફેડરલ રિઝર્વનાં તંગ નાણાનીતિના સંકેતે ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ 0.9 ટકા ઘટીને આૈંસદીઠ 4169.44 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 1.4 ટકા ઘટીને 4186.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.1 ટકા ઘટીને આૈંસદીઠ 65.11 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ફેડરલના તંગ નાણાનીતિના અણસારને કારણે સોનાએ મંદીના ઝોનમાં પ્રવેશ કર્યો છે અને ભાવ ઘટીને આૈંસદીઠ 4000 ડૉલરની અંદર ઊતરે તેવી શક્યતા નકારી ન શકાય, એમ જેફરીઝની માલિકીની ટ્રેડુ ડૉટ કૉમના વિશ્લેષક નિકોઝ ઝુબોરુસે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી સપ્તાહમાં સોનાની વધઘટનો આધાર અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટોના અહેવાલ અને અમેરિકાના ફુગાવાના અહેવાલો પર રહેશે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત સપ્તાહના અંતે ગોલ્ડમેન સાશે અગાઉ વર્ષ 2026ના અંત સુધીમાં સોનાના વૈશ્વિક ભાવ માટેનો અંદાજ જે આૈંસદીઠ 5400 ડૉલરનો મૂક્યો હતો તે ઘટાડીને 4900 ડૉલરનો મૂકવાની સાથે આગામી ટૂંકા સમયગાળામાં ભાવઘટાડા અને મધ્યમ સમયગાળામાં ભાવવધારાનું જોખમ હોવાનું તેમણે જણાવ્યું હતું.