મુંબઈ: મહારાષ્ટ્ર ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ મતદાર યાદી જાહેર કરવાની તારીખોમાં ફેરફાર કર્યો છે. મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર)ની પ્રક્રિયાને લઈને ચૂંટણી પંચે મહત્ત્વનો ફેરફાર કર્યો છે. પંચે મતદાર યાદી સાથે જોડાયેલી તમામ મહત્વપૂર્ણ તારીખોમાં ફેરફાર કર્યો છે. હવે રાજ્યની અંતિમ મતદાર યાદી ૨૭ ઓક્ટોબરના બદલે ૪ નવેમ્બર ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવશે. જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી પણ ૨૪ ઓગસ્ટના બદલે હવે ૩૧ ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે.
2.07 કરોડ મતદારોના નામ યાદીમાંથી બહાર થશે
ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ મતદારોને વાંધા નોંધાવવા અને દાવા રજૂ કરવા માટે પણ વધારાનો સમય મળશે. અગાઉ તેની અંતિમ તારીખ ૨૩ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે ૩૦ સપ્ટેમ્બર સુધી દાવા અને વાંધા નોંધાવી શકાશે. એટલે કે, સમગ્ર પ્રક્રિયા માટે લગભગ એક અઠવાડિયાનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયે જણાવ્યું કે એસઆઇઆરના પ્રથમ તબક્કા બાદ આશરે ૨.૦૭ કરોડ મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર થઈ શકે છે. આ રાજ્યના કુલ મતદારોના આશરે ૨૧.૧૫ ટકા છે.
આશરે 2.07 કરોડ મતદારોના ફોર્મ મેળવી શકાયા નથી
મહારાષ્ટ્રમાં એસઆઇઆર હેઠળ 30 જૂનથી 17 ઓગસ્ટ સુધી મતદારોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન બૂથ લેવલ અધિકારીઓએ તમામ વિધાનસભા ક્ષેત્રોમાં જઈને મતદારોની માહિતીની તપાસ કરી હતી.
રાજ્યમાં કુલ 9.78 કરોડ નોંધાયેલા મતદારો છે. આમાંથી 7.71 કરોડ એટલે કે ૭૮.૮૫ ટકા મતદારોએ સહી કરેલા ગણતરી ફોર્મ જમા કરાવ્યા છે. જ્યારે આશરે 2.07 કરોડ મતદારોના ફોર્મ મેળવી શકાયા નથી.
30 સપ્ટેમ્બર સુધી દાવા અને વાંધા નોંધાવી શકાશે
હવે 31 ઓગસ્ટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ સ્પષ્ટ થશે કે કયા મતદારોના નામ તેમાં સામેલ છે અને કયા મતદારોના નામ હટાવવામાં આવ્યા છે ત્યાર બાદ 30 સપ્ટેમ્બર સુધી દાવા અને વાંધા નોંધાવી શકાશે અને સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 4 નવેમ્બરે અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.